ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના ડો.આંબેડકર ફાઉન્ડેશનમાં નર્મદ યુનિ.ના આસિ.પ્રો. ડો.ભરતભાઈ ઠાકોરની સભ્યપદે નિમણૂક
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના ડો. આંબેડકર ફાઉન્ડેશનમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે ઉત્તરાખંડ, કેરાલા, ઝારખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પંજાબ, નવી દિલ્હી અને કર્ણાટકમાંથી કુલ ૧૫ સભ્યોની નિયુક્તિ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. આમાં ગુજરાતમાંથી ૨ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. તેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરપદે કાર્યરત શ્રી ડો. ભરતભાઈ ઠાકોર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના ડો. રાજાભાઈ કાથડનો સમાવેશ થાય છે. ડો. ઠાકોર મૂળ મહેસાણા જિલ્લાના વડોસણ ગામના વતની છે. તેમની નિયુક્તિ યુનિવર્સિટી અને રાજ્ય માટે ગૌરવપૂર્ણ છે. આ નિયુક્તિ ૩ વર્ષ માટે કરવામાં આવતી હોય છે. ડો. ઠાકોર હાલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ સિવાય યુનિવર્સિટીના અન્ય વિભાગો ક્રમશઃ પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ તથા તુલનાત્મક સાહિત્ય વિભાગના સંયોજકપદે પણ કાર્યરત છે. ડો. આંબેડકર ફાઉન્ડેશનમાં નિયુક્ત સભ્યોએ દેશમાં વિભિન્ન જગ્યાએ કાર્યરત બાબાસાહેબ આંબેડકર ચેર અને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સ્થાપિત સેન્ટર ઓફ એક્સેલન્સ કે જેમાં એસસી અને ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે તેના વહીવટી નિર્ણયો લેવાનું કામકાજ કરવાનું થતું હોય છે.






