અનાવલ અને માંડવી ખાતે જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું.

SHARE:

અનાવલ અને માંડવી ખાતે જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું.

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ:સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્યો મોહનભાઈ ઢોડિયા અને કુંવરજી હળપતિએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો

બંને સ્થળોએ સાધુ-સંતોનું સન્માન કરી આદિજાતિ સમાજના ગૌરવશાળી વારસા અને સંસ્કૃતિના જતનનો સંકલ્પ કરાયો.

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયા’ અંતર્ગત સુરત જિલ્લાના અનાવલ અને માંડવી ખાતે સ્વચ્છતા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અનાવલ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા તથા માંડવી ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્યશ્રી કુંવરજી હળપતિએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બંને સ્થળોએ સ્વચ્છતા અભિયાન યોજી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો તેમજ સાધુ-સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
અનાવલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશની આઝાદી અને આદિજાતિ સમાજના અધિકારો માટે તેમણે કરેલા સંઘર્ષને યાદ કર્યો હતો. ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજમાં સ્વાભિમાન, એકતા અને જાગૃતિની ભાવના જગાડવા માટે આપેલું યોગદાન આજે પણ સૌના માટે પ્રેરણારૂપ છે. તેમના જીવન અને સંઘર્ષમાંથી નવી પેઢીએ રાષ્ટ્રપ્રેમ, સામાજિક એકતા અને પોતાના વારસા પ્રત્યે ગૌરવની પ્રેરણા લેવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
જ્યારે માંડવી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્યશ્રી કુંવરજી હળપતિએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના આદિજાતિ સમાજના હિતો, અધિકારો અને સ્વાભિમાન માટેના સંઘર્ષને સ્મરણ કરી તેમના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવા નાગરિકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
બંને સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં સમાજમાં આધ્યાત્મિક ચેતના, સંસ્કારો, સેવાભાવ અને સામાજિક એકતાના સંવર્ધનમાં યોગદાન આપતા સાધુ-સંતોનું જનપ્રતિનિધિઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાધુ-સંતોના આશીર્વાદ સાથે આદિજાતિ સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક વારસાના જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીનો મુખ્ય આશય ભગવાન બિરસા મુંડા સહિત આદિજાતિ સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંઘર્ષ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. પખવાડિયા દરમિયાન યોજાઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ થકી આદિજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક યોગદાનને ઉજાગર કરવાની સાથે સમાજમાં એકતા, સ્વચ્છતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ અવસરે જિલ્લા પંચાયત સભ્યશ્રી હર્ષદભાઈ પટેલ, અનાવલ જિલ્લાપંચાયતના સભ્યશ્રી રમીલાબેન પટેલ,કરચેલીયા જિલ્લા પંચાયત સભ્યશ્રી હિનાબેન પટેલ, મહુવા જિલ્લા પંચાયત સભ્યશ્રી હેમંતભાઈ પટેલ, વલવાડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!