બામણીયા ગામનો ૨૧ વર્ષીય યુવક ગાંધી કોલેજ જવાનું કહી ગુમ થતાં અનાવલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
સુરત:
સુરત જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ બામણીયા ગામના ડેરી ફળિયામાં રહેતો ૨૧ વર્ષીય યુવક દિશાંતકુમાર સંદિપભાઈ ગરાસીયા અચાનક ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અંગે તેની માતા જિગીશાબેન સંદિપભાઈ ગરાસીયા દ્વારા અનાવલ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગુમ થનાર યુવક દિશાંતકુમાર ગરાસીયા ગત તારીખ ૦૭/૧૦/૨૦૨૬ ના રોજ વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં સુરત શહેરના મજુરા ગેટ ખાતે આવેલી ગાંધી કોલેજમાં અભ્યાસ અર્થે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે આજદિન સુધી પરત ઘરે આવ્યો નથી. વધુમાં જાણવા મળ્યું છે કે આ યુવક અગાઉ પણ કોઈને કહ્યા વગર વ્રુંદાવન ખાતે જતો રહ્યો હતો. ગુમ થનાર યુવક શારીરિક રીતે ૫.૬ ફૂટ ઊંચાઈ, ઘઉંવર્ણો મજબૂત બાંધો, લંબગોળ ચહેરો અને માથા પર ટૂંકા કાળા વાળ ધરાવે છે. તેણે શરીરે બ્લુ કલરનું ટી-શર્ટ, કાળા રંગનું ટ્રેક પેન્ટ અને પગમાં સેન્ડલ પહેરેલા છે. તેની ખાસ ઓળખમાં ડાબા હાથના કાંડા પાસે જૂનું દાઝેલું નિશાન છે તેમજ તે માથાના ભાગે વ્રુંદાવનની માટીનું તિલક કરે છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. આ બનાવ સંદર્ભે અનાવલ પોલીસે ગુમ જાણવા જોગ એન્ટ્રી કરી આગળની વધુ તપાસ એ.એસ.આઈ. જિતેન્દ્રભાઈ અને અ.હે.કો. કમલેશભાઈ ચલાવી રહ્યા છે. જો આ યુવક અંગે કોઈને પણ જાણ થાય તો અનાવલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.



