અનાવલ નજીક SMC ના દરોડા: i10 કારમાંથી ₹2.97 લાખનો દમણનો વિદેશી દારૂ ઝડપાયો; ચાલક જેલભેગો, 4 વોન્ટેડ
દક્ષિણ ગુજરાતમાં બૂટલેગરો પર સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે ફરી એકવાર લાલ આંખ કરી છે. સુરત ગ્રામ્યના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરીયા ગામની સીમમાંથી પસાર થતી એક શંકાસ્પદ કારને અટકાવી પોલીસે રૂ. 2.97 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે કારચાલકની ધરપકડ કરી છે, જ્યારે દમણથી દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત 4 શખસોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર SMC ના ASI સતીષભાઇ તુળજીભાઇ અને તેમની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગુરુવારે સાંજે કાંકરીયા ગામથી અંબિકા નદીના પુલ તરફ જતા રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી હુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios કાર (નંબર: GJ-15-CS-4316) ને રોકીને તલાશી લેતાં કારમાંથી ગેરકાયદેસર રીતે વહન કરાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ₹2,97,744 ની કિંમતની 35 બોક્સ વિદેશી દારૂ તથા બીયર (કુલ 1,284 બોટલ/ટીન), ₹2,00,000 ની કિંમતની હુન્ડાઇ ગ્રાન્ડ i10 કાર અને ₹10,000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹5,07,744 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સ્થળ પરથી કારચાલક આશીષ ઉર્ફે ગોલુ સચ્ચાલાલ યાદવ (ઉં.વ. 26, રહે. હાલ ભેસલાપાડા, પારડી, વલસાડ; મૂળ રહે. ચંદોલી, ઉત્તર પ્રદેશ) ની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો દમણથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનાહિત કાવતરામાં સામેલ દમણથી દારૂ મોકલનાર વિકાસ ઉર્ફે વિકાસ ભૈયો અશોકભાઇ યાદવ (રહે. ભેસલાપાડા, પારડી), શનિ ઉર્ફે શનિભેલ રાજેશભાઇ ગુપ્તા (રહે. ગેલક્ષી રેસિડેન્સી, પારડી), દારૂનો જથ્થો મંગાવનાર ડેગો (વિકાસ ભૈયાના સંપર્કવાળો શખસ) તેમજ કાર માલિક (GJ-15-CS-4316) અને તપાસમાં ખુલનારા અન્ય શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે અનાવલ પોલીસ મથકે ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો તેમજ નવી ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) ની કલમ 111(2)બી અને 111(3)(4) (સંગઠિત ગુનાખોરી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની આગળની વધુ તપાસ અનાવલ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.સી. પારગી ચલાવી રહ્યા છે.



