મહૂવા સુગરની ૧૫ બેઠકો પર ૪૫ દાવેદારો વચ્ચે જંગ: ૧ બેઠક બિનહરીફ જાહેર થતાં ભાજપ સામે ભાજપનો આંતરિક મોરચો મજબૂત
બારડોલી / મહૂવા:
સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આવેલી શ્રી મહૂવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. બામણીયા (મહૂવા સુગર) ની વ્યવસ્થાપક સમિતિની ૧૬ બેઠકો માટે આયોજિત ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પત્રો ખેંચવાના અંતિમ દિવસે ૧૫ બેઠકો પર ૪૫ ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે, જ્યારે ૧ બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ સાથે જ સુગર ફેક્ટરીની સત્તા મેળવવા ભાજપના જ આગેવાનો સામે ભાજપના જૂથો વચ્ચે સીધો જંગ જામશે.
ઝોનવાર સ્થિતિ જોઈએ તો, ૧૬ બેઠકોમાંથી નાગધરા (મહિલા અનામત) બેઠક પરથી માજી ડિરેક્ટર મુકુંદ પટેલના પત્ની વનિતાબેન પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સૌથી વધુ કટોકટીનો જંગ દેદવાસણ બેઠક પર જોવા મળશે, જ્યાં ૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ સિવાય ૭ બેઠકો પર બે-બે ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે અન્ય ૮ બેઠકો પર બેથી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ઝોન મુજબ દાવેદારોની વાત કરીએ તો અનાવલમાંથી ૨, ઝેરવાવરા (એસી/એસટી)માંથી ૨, ઊવામાંથી ૨, મહૂવામાંથી ૨, રાનકુવામાંથી ૩, વ્યારામાંથી ૩, વાંસકુઈ (કરચેલીયા)માંથી ૪, વાંકનેર (મહિલા અનામત)માંથી ૨, વાલોડમાંથી ૩, બારડોલીમાંથી ૨, વલવાડા (નાના સીમાંત ખેડૂત)માંથી ૩, મહુવરીયામાંથી ૩, બાજીપુરામાંથી ૩ અને બિન ઉત્પાદક મંડળીમાંથી ૨ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
ભાજપ સંગઠન દ્વારા સમાધાન કરાવવાના અનેક પ્રયાસો કરવા છતાં આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે. વાંસકુઈ બેઠક પર ભાજપના માજી સાંસદ માનસિંહ પટેલ સામે અન્ય ૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વાલોડ બેઠક પર ઉપપ્રમુખ બળવંતરાય પટેલ (બલ્લુ મામા) સામે ૨ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વલવાડા બેઠક પર માજી ઉપપ્રમુખ રાકેશ પટેલ સામે ભાજપ ધારાસભ્ય મોહન ઢોડીયાના પુત્ર જયમીન પટેલ સહિત ત્રિપાંખિયો જંગ જામશે. તે જ રીતે ઊવા બેઠક પર ભાજપ આગેવાન જીતેન્દ્રસિંહ વાંસિયા સામે કિરણ પટેલ અને મહૂવા બેઠક પર વર્તમાન ડિરેક્ટર જીગર નાયક સામે સરપંચ અનિલ પટેલ વચ્ચે સીધો મુકાબલો થતાં ભાજપ સામે ભાજપનો જંગ નિશ્ચિત બન્યો છે.



