નવસારી અને તાપી જિલ્લામાં મિલકત સંબંધિત ગુના આચરતી ગેંગ સામે સુરત ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા મળી છે. બાંધકામ સાઇટ પરથી કોંક્રિટ મિક્સર મશીન અને હાઇવે પરથી બાઇક ચોરી કરનાર બે રીઢા તસ્કરોને સુરત ગ્રામ્ય LCB પોલીસે મિયાપુર ચાર રસ્તા નજીકથી દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું મિક્સર મશીન, બાઇક, બોલેરો પીકઅપ અને મોબાઇલ મળી કુલ રૂ. 2,65,000/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત વિભાગના આઈજીપી પ્રેમવીર સિંહ અને જિલ્લા એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી એલસીબી પી.આઈ એન.જી. પાંચાણી તથા ઈ. પી.આઈ એલ.ડી. ઓડેદરાની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઈ રોહિતભાઈ, અ.હે.કો. ભરતસિંહ અને નિલેશ જીતુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે મહુવાના દેદવાસણ ગામનો જનક પટેલ અને તેનો સાથીદારો ચોરી કરેલું કોંક્રિટ મિક્સર મશીન બોલેરો પીકઅપ (GJ-19-X-1398) ની પાછળ બાંધી ધોળીકુઈથી મહુવા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે મહુવા-મિયાપુર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી પોલીસે બોલેરોને આંતરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસ હાથે પકડાયેલ નિરલભાઈ જગુભાઈ પટેલ (ઉં.વ. 41) (રહે. ગોપળા,ગામતળ ફળિયું, તા. મહુવા) અને જનકભાઈ સુરેશભાઈ પટેલે (ઉં.વ. 35) (રહે. દેદવાસણ,પટેલ ફળિયું તા. મહુવા) નવસારી જિલ્લાના દંડેશ્વર ગામ ખાતે ચાલી રહેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી રાત્રિના સમયે કોંક્રિટ મિક્સર મશીનની ચોરી કરી હતી.અને તાપી જિલ્લાના આમીયાણા ગામ નજીકથી સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે.પોલીસે ચોરી કરેલ કોંક્રિટ મિક્સર મશીન કિંમત રૂ.40,000,ચોરી કરેલ હીરો સ્પ્લેન્ડર પ્રો બાઇક કિંમત રૂ.15,000,
ચોરીમાં વપરાયેલ બોલેરો પીક-અપ (GJ-19-X-1398) કિંમત રૂ.2,000,00 અને
મોબાઈલ ફોન કિંમત રૂ.10,000 મળી કુલ 2,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



