બામણિયા-વાંસકુઈ નવો રોડ બન્યો ‘અકસ્માત ઝોન’: સામાન્ય વરસાદમાં જ માર્ગ ચીકણો બનતા સર્જાયા અકસ્માતો, કારનો ભુક્કો બોલી ગયો પણ જાનહાનિ ટળી.

અંબિકા/બામણિયા:-બામણિયા થી વાંસકુઈ તરફ તાજેતરમાં જ નિર્માણ પામેલો નવો રસ્તો પહેલા જ વરસાદમાં વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.નવો રોડ બન્યા બાદ વરસાદ પડતાં જ સમગ્ર માર્ગ અત્યંત ચીકણો અને લપસણો બની ગયો છે, જેના કારણે વાહનો બ્રેક મારતા જ વાહનો બે કાબુ બની જાય છે.અને વાહનચાલકો પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દે છે. સહેજ પણ બ્રેક મારતાની સાથે જ વાહનો સીધા રોડની સાઈડમાં ખાબકી રહ્યા છે, જેના કારણે રોજેરોજ નાના-મોટા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે.હજુ તાજેતરમાં જ એક લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો આ ચીકણા રોડ પરથી લપસીને રોડની સાઈડમાં ઉતરી ગયા હતા,જેમાં સદનસીબે એક મોટી દુર્ઘટના બનતા-બનતા અટકી હતી.આ ઘટનાની શાહી હજુ સુકાઈ ન હતી ત્યાં જ આજે,19 ઓક્ટોબરના રોજ વાંસકુઈ થી બામણિયા વચ્ચે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક વાહનચાલક પોતાની (i20) કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે અરસામાં રોડની ચીકાશના કારણે કાર અચાનક અનિયંત્રિત થઈને રોડની સાઈડમાં ખાબકી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભુક્કો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે ચાલકનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.અવારનવાર થતા અકસ્માતો અને નવા બનાવેલા રોડની હલકી ગુણવત્તાને લઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિકોએ વહેલી તકે આ માર્ગ પર યોગ્ય સરફેસિંગ કરવામાં આવે, અકસ્માત રોકવા પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.જો તંત્ર દ્વારા ત્વરિત ધોરણે આ સમસ્યાનું નિવારણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.



