ડાંગનું છુપુ રત્ન: ‘ડોન’ હિલ સ્ટેશન હવે પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યું નવું આકર્ષણ

ડાંગ:
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલું ડાંગ જિલ્લાનું ખૂબસૂરત સ્થળ ‘ડોન’ હાલ પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યું છે. અહીંથી આસપાસના ઘનઘોર જંગલો અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારના અદભુત દ્રશ્યો મન મોહી લે છે.
લુપ્ત થતા ગીધના સંવર્ધન માટે વિશિષ્ટ પહેલ
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ડોનની તળેટીમાં સ્થાનિક વન વિભાગ દ્વારા લુપ્ત થઈ રહેલા સફેદ ડોક ધરાવતા વિશાળકાય ગીધના સંવનન અને સંવર્ધન માટે વિશેષ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. પ્રવાસીઓમાં પક્ષીઓ અને પર્યાવરણના જતન-સંવર્ધનનો સંદેશ વહેતો કરવા માટે ડોન હિલ પર ગીધરાજની એક વિશાળકાય પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
મુખ્ય પ્રવાસન આકર્ષણો
ડોન હિલ તથા વલ્ચર પોઈન્ટ: કુદરતી નજારા અને ગીધ દર્શન માટે ઉત્તમ સ્થળ.
સૂર્યોદય અને સૂર્યાસ્ત વ્યૂ પોઈન્ટ: પર્વતોની પાછળ ખીલતા સૂરજ અને આથમતા સાંજનો અદભુત નજારો.
કુદરતી ધોધ અને ટ્રેકિંગ રૂટ્સ: ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીંના હરિયાળા જંગલોમાં એડવેન્ચર અને ટ્રેકિંગ માટે પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટે છે.
કેવી રીતે પહોંચવું?
ડોન હિલ સ્ટેશન ડાંગના મુખ્ય મથક આહવાથી અંદાજે 33 કિમી અને પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારાથી લગભગ 55 કિમી ના અંતરે આવેલું છે, જેથી સહેલાણીઓ સરળતાથી મુલાકાત લઈ શકે છે.



