સુરત જિલ્લાના ખેડૂતો માટે મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માર્ગદર્શિકા જાહેર:
સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ) અને સફેદ ફુગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી. ટ્રાયકોડમાં હારજીયાનમ આધારિત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી પિયત આપવું.
સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહીં. વધારે પડતી આંતરખેડ ન કરવી. ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફુગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો.
શડનો કોહવારો અને ડોડવાનો સડો (સ્ટેમ સેટ)ના નિયંત્રણ માટે જો ટ્રાયકોડમાં કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે પંપમાં ૫૦ ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મૂળની આસપાસ રેડી શકાય. લીમડાનાં તાજા પાનનો અથવા લીંબોળીનાં અર્કના ૧ ટકાના દ્રાવણનો ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી પાનનાં ટપકાનું અને ગેરુ રોગનું નિયંત્રણ કરી શકાય છે.
પાનના ટપકાનાં રોગ તેમજ ગેરુ રોગના નિયંત્રણ માટે મગફળીનો પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝીમ (૧૦ ગ્રામ /૧૦ લી. પાણી) અથવા મેન્કોઝેબ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા ક્લોરોથેલોનીલ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા હેક્ઝાકોનાઝોલ (૫ મિલી/૧૦ લી પાણી) અથવા ડાયફેનોકોનાઝોલ (૫ મિલી/૧૦ લી. પાણી) અથવા ટેબ્યુકોનાઝોલ (૫ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા બિટરટેનોલ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા મેટીરામ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા પાયરાકલોસ્ટોબીન (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડેઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડેઝીમ ૨૫% + ફ્લૂઝીલાઝોલ ૧૨.૫% (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) ફૂગનાશક દવાનાં ૨ થી ૩ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસનાં અંતરે કરવા. શક્ય હોય તો દરેક છંટકાવ સમથે એકની એક ફુગનાશક દવા ના વાપરતા દવાની ફેરબદલી કરવી.
મગફળીમાં અગ્રકાલિકાનો સુકારો રોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો જરૂર મુજબ છંટકાવ કરવો. મૂળના ગંઠવા કૃમિના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩જી દવા ૩૩ કીગ્રા હેક્ટર દીઠ આપવી.
ઊભા પાકમાં મૂળનો સડો થતાં અટકાવવા માટે જરૂર જણાય ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી આપવું તેમજ કાપણી ક્ષમથે ડોડવાઓને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું.મગફળીમાં સુકારો મુખ્યત્વે પાકના ૫૦ થી ૬૦ દિવસ બાદ વધુ પડતા તાપમાને ઓછા પડતા ભેજની અવસ્થાએ જોવા મળતો હોઈ ઉભા પાકમાં આંતરખેડ અને નિંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની સાવચેતી રાખવી.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવી. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાથબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, સુરતની યાદીમાં જણાવાયું છે.



