વરસાદી વાતાવરણમાં સાવધાની રાખો: ગાજવીજ અને આકાશી વીજળીથી સુરક્ષિત રહો
શરીરના વાળ ઊભા થવા અથવા ત્વચામાં ઝણઝણાટી અનુભવવી આકાશી વીજળી પડવાની શક્યતાના સંકેત
સુરત જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ: અફવાથી ગેરમાર્ગે દોરવાશો નહીં, યોગ્ય સાવચેતી અને સતર્કતા જ સુરક્ષાની ચાવી છે
શહેર- જિલ્લામાં રેડ એલર્ટ તેમજ આજે સવારથી જ ભારે વરસાદની સ્થિતિ છે અને હવામાન વિભાગની આગાહી છે કે આગામી સપ્તાહમાં વરસાદનું જોર વધશે ત્યારે યોગ્ય સાવચેતી અને સતર્કતા જ સુરક્ષાનું ચાવી છે.
વરસાદની ઋતુ દરમિયાન ભારે વરસાદ, ગાજવીજ અને આકાશી વીજળી જેવી કુદરતી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. આ સમયે યોગ્ય સાવચેતી રાખવાથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય છે.
વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. જો બહાર જવું જરૂરી હોય તો છત્રી અથવા રેઇનકોટનો ઉપયોગ કરવો તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું.
આકાશી વીજળી પડવાની શક્યતાના સંકેતો કયા છે એ વિશે જાણીએ
– આકાશમાં સતત કાળા વાદળો છવાઈ જવા.
– વારંવાર વીજળીના ચમકારા અને ગર્જના થવી.
– શરીરના વાળ ઊભા થવા અથવા ત્વચામાં ઝણઝણાટી અનુભવવી.
– નજીકમાં ધાતુની વસ્તુમાંથી અસામાન્ય અવાજ સંભળાવા.
આવા સંકેતો જણાય તો તરત જ સુરક્ષિત સ્થળે આશરો લેવો.
આકાશી વીજળીથી બચવા માટે રાખવાની સાવધાનીઓ
– ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાન, ખેતીના ખેતર, ટેકરી, તળાવ, નદી અથવા પાણી ભરાયેલા સ્થળોથી દૂર રહેવું.
– એકલા ઊભેલા વૃક્ષ નીચે, વીજ થાંભલા, ટ્રાન્સફોર્મર અથવા ધાતુની વાડ પાસે ઊભા રહેવું નહીં.
– શક્ય હોય તો પાકા મકાન અથવા બંધ વાહનમાં આશરો લેવો.
– ઘરમાં હોવ તો બિનજરૂરી વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળવો અને બારીઓ-દરવાજાથી દૂર રહેવું.
– જો ખુલ્લા વિસ્તારમાં ફસાઈ જાવ અને કોઈ આશરો ઉપલબ્ધ ન હોય તો બંને પગ ભેગા રાખીને નીચે બેસી જવું. જમીન પર સીધા સૂઈ જવું નહીં.
– વીજળી પડતી વખતે પાણીમાં રહેવું કે તરવું નહીં.
– બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળો.
– ઇલેક્ટ્રોનિક-ઇલેક્ટ્રિક ઉપકરણોને અનપ્લગ કરો.
– ના ફ્લોર પર સુશો નહીં અને કોંક્રેટની દીવાલો સામે ઝુકશો નહીં.
આરોગ્ય અંગે રાખવાની સાવધાનીઓ
– શુદ્ધ અને ઉકાળેલું પીવાનું પાણી પીવું.
– ખુલ્લું, વાસી અને અસ્વચ્છ ખોરાક ખાવાનું ટાળવું.
– ઘરની આસપાસ પાણી ભરાઈ રહેવા ન દેવું, જેથી મચ્છરજન્ય રોગોનો ફેલાવો અટકે.
– તાવ, શરદી, ઉધરસ અથવા અન્ય તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો.
જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારે સુરત જિલ્લા વહીવટી તંત્ર વતી નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી આગાહીઓ પર ધ્યાન આપે, અફવાઓથી દૂર રહે અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં સ્થાનિક તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરે. રેડિયો પર પ્રસારિત થતા સમાચારો અને સૂચનાઓ ધ્યાનમાં રાખે તેમજ સરકાર માન્ય સમાચાર પર જ ભરોસો કરીએ. અફવાથી ગેરમાર્ગે દોરવાશો નહિ.





