મહુવા મામલતદારને સુરત જિલ્લા કલેક્ટર જોગ વિવિધ લોકપ્રશ્નો અને મુદ્દાઓ અંગે આવેદનપત્ર પાઠવાયું

મહુવા:-સુરત જિલ્લાના મહુવા ખાતે મામલતદાર કચેરીમાં સુરત જિલ્લા કલેક્ટર સાહેબને સંબોધીને વિવિધ લોકપ્રશ્નો અને ચર્ચાસ્પદ મુદ્દાઓ સંદર્ભે રજૂઆત કરતા બે મહત્ત્વના આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે.
ચૈતર વસાવા સામેના કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ
પ્રથમ આવેદનપત્રમાં ચૈતર વસાવા સામે નોંધાયેલા કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે ચૈતર વસાવા સામે ખોટા અને રાજકીય પ્રેરેત કેસો નોંધાયા હોવાની શંકાઓ સેવાઈ રહી છે, જે ન્યાય અને બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે.આ સમગ્ર મામલાની નિષ્પક્ષ,પારદર્શક અને સ્વતંત્ર તપાસ કરવાની તેમજ જો કોઈ અધિકારી કે વ્યક્તિ દ્વારા સત્તાનો દુરુપયોગ થયો હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન અને શિક્ષણમાં પારદર્શિતાની માગ
બીજા આવેદનપત્રમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક દ્વારા હાથ ધરવામાં આવેલા શાંતિપૂર્ણ આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.તેની સાથે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા,ભરતી પ્રક્રિયામાં નિષ્પક્ષતા જાળવવા અને પેપર લીક જેવી ઘટનાઓ પર કડક નિયંત્રણ લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. યુવાનોના હિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ વાજબી ચિંતાઓ પર સંવેદનશીલતાથી વિચારણા કરવી જોઈએ તેવી રજૂઆત કરાઈ છે.મહુવા મામલતદાર કચેરી ખાતે આ આવેદનપત્રો સ્વીકારી આગળની યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવ્યા છે.



