અનાવલ બજારમાં કદાવર વૃક્ષ પડતાં હાઇવે જામ; પોલીસે તાબડતોડ કામગીરી કરી રસ્તો ખુલ્લો કરાવ્યો.
અનાવલ બજારમાં કદાવર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો: પી.આઈ. પારઘી સહિત પોલીસ કાફલાએ તાકીદે જેસીબી બોલાવી માર્ગ ખુલ્લો કરાવ્યો
અંબિકા તાલુકાના મુખ્ય વ્યાપારી મથક એવા અનાવલ બજારમાં આજે એકાએક એક કદાવર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.વ્યસ્ત બજારમાં મોટું વૃક્ષ રસ્તાની વચ્ચે જ ફસડાઈ પડતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને માર્ગની બંને બાજુનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.ભારે વરસાદી માહોલ વચ્ચે ઘટનાની ગંભીરતાને જોતાં અનાવલ પોલીસ સ્ટેશનના પી.આઈ. પારઘી સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે સમયસૂચકતા વાપરી સ્થાનિક વહીવટી તંત્ર અને જેસીબી મશીનની મદદથી માર્ગ પર પડેલા કદાવર વૃક્ષની ડાળીઓ અને કાટમાળ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી હતી.
પોલીસ કર્મચારીઓની ભારે જહેમત અને સુવ્યવસ્થિત કામગીરીને કારણે ગણતરીના કલાકોમાં જ વૃક્ષને રસ્તા
પરથી હટાવી દેવાયું હતું અને ખોરવાયેલા વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. ભરચક બજારમાં ત્વરિત પગલાં ભરીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવવા બદલ અનાવલ પોલીસની આ સરાહનીય કામગીરીને સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોએ બિરદાવી હતી.જોકે ઘટનામાં કોઈપણ જાનહાની ના સમાચાર જાણવા મળ્યા નથી.





