સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર ‘રાત્રિ સેવા સેતુ’ સુરતમાં યોજાયો.
વરિયાવ ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત રાંદેર ઝોનના ‘રાત્રિ સેવા સેતુ’માં લાભાર્થીઓને વિવિધ લાભો અર્પણ કરાયા
આવકના દાખલા, આધારકાર્ડ, પેઢીનામુ, મરણ દાખલા સહિત વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાઈ
શ્રમિકો દિવસભર કામ કર્યા પછી સાંજે તેમજ રાત્રે હકની યોજનાઓનો લાભ લઈ શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર લાભાર્થીઓના દ્વારે આવ્યું છે: મુકેશભાઈ પટેલ
જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરી આદિજાતિ સમુદાય,આદિમ જૂથોના નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બેનિફિશીયરી લેડ કન્સ્ટ્રક્શન ઘટકના લાભ વિતરણ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર ‘રાત્રિ સેવા સેતુ’ સુરતમાં યોજાયો હતો. જેમાં વરિયાવ પ્રા.શાળા ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત રાંદેર ઝોનના ‘રાત્રિ સેવા સેતુ’માં લાભાર્થીઓને વિવિધ લાભો અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે હંમેશાં સમાજના છેવાડાના માનવીની ચિંતા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના
માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વિશેષ પ્રયાસોથી ગરીબ હળપતિ પરિવારો માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે. આપણા શ્રમિક ભાઈ-બહેનો સવારથી જ મજૂરીએ જતા હોવાથી દિવસ દરમિયાન સરકારી કચેરીએ જઈ શકતા નથી. આ જ કારણે, સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત આ ‘રાત્રિ સેવા સેતુ’ કાર્યક્રમ શરૂ કરાયો છે, જેથી શ્રમિકો દિવસભર કામ કર્યા પછી સાંજે તેમજ રાત્રે હકની યોજનાઓનો લાભ લઈ શકે.
વધુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, આજે વહીવટી તંત્ર લાભાર્થીઓના દ્વારે આવ્યં્ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગરીબોને પાકા ઘર આપવાનું સપનું જોયું છે, જેના અંતર્ગત દેશભરમાં ૪ કરોડથી વધુ ઘરો આપવામાં
આવ્યા છે. આ જ સંકલ્પ સાથે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦ હજારથી વધુ આવાસો આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામોમાં ૧૫ હજારથી વધુ આવાસો બનાવી દેવાયા છે. અગાઉ મરણનો દાખલો કે પેઢીનામું ન હોવા જેવી વહીવટી ગૂંચવણોને કારણે ગરીબો આવાસથી વંચિત રહી જતા હતા, પરંતુ આપણી સરકારે આ તમામ નિયમો સરળ બનાવ્યા છે, જેથી કોઈ પણ લાભાર્થી અટકે નહીં અને દરેકને પોતાનું પાકું ઘર મળે એમ તેમણે ઉમેર્યું હતું.
આ વેળાએ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આવકના દાખલા સહિત વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડે.મેયર સુધાકર ચૌધરી, પ્રાંત અધિકારી(ઉત્તર) નેહાબેન સવાણી, શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, કોર્પોરેટર વિજયભાઈ ભાટિયા, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, ભાવિશાબેન પટેલ, નયનાબેન ડોબરિયા, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



