બારડોલી RTO કચેરી દ્વારા અરજદારોના હિતમાં મહત્વનો નિર્ણય: અસહ્ય ગરમીને પગલે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટના સમયમાં આંશિક ફેરફાર
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી બારડોલી દ્વારા હાલ ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીને કારણે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, બારડોલી દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટના સમયમાં આંશિક ફેરફાર કરી અરજદારોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.
પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા તા.૨૭/૦૪/૨૦૨૬થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી બદલાયેલો નવો સમય અમલમાં રહેશે. નવા ફેરફાર મુજબ, અરજદારે બુક કરેલ પ્રથમ ત્રણ ઓનલાઈન સ્લોટ્સ ૧૦.૩૦ થી ૧૧.૩૦, ૧૧.૩૦ થી ૧૨.૩૦ અને ૧૨.૩૦ થી ૦૧.૩૦નો બદલાયેલો સમય એક કલાક વહેલા એટલે કે અનુક્રમે સવારે ૦૯.૩૦ થી ૧૦.૩૦, ૧૦.૩૦ થી ૧૧.૩૦ અને ૧૧.૩૦ થી ૧૨.૩૦નો રહેશે. જ્યારે બપોર પછીનો અન્ય ઓનલાઈન સ્લોટ ૦૨.૦૦ થી ૦૩.૦૦નો બદલાયેલો સમય હવે બપોરે ૧૨.૩૦ થી ૦૧.૩૦નો કરવામાં આવ્યો છે.
આ સિવાયના બાકીના અન્ય ઓનલાઈન સ્લોટ્સ જેવા કે ૦૩.૦૦ થી ૦૪.૦૦, ૦૪.૦૦ થી ૦૫.૦૦ અને ૦૫.૦૦થી ૦૬.૦૦નો સમય અગાઉની જેમ જ અનુક્રમે ૦૩.૦૦થી ૦૪.૦૦, ૦૪.૦૦થી ૦૫.૦૦ અને ૦૫.૦૦થી ૦૬.૦૦ વાગ્યાનો યથાવત રહેશે.
આ સુધારેલો સમય માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા આવતા અરજદારોને જ લાગુ પડશે. આ સિવાય RTO કચેરી ખાતે ચાલતી અન્ય તમામ પ્રકારની વહીવટી કામગીરીઓ અને સેવાઓ અગાઉના નિયત સમય મુજબ જ યથાવત ચાલુ રહેશે. જેની તમામ જાહેર જનતા અને અરજદારોએ નોંધ લેવી એમ બારડોલી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.





