ડિજીટલ જનગણના-૨૦૨૭ હેઠળ ‘સ્વ ગણતરી’ની પ્રક્રિયા અંગેની તબક્કાવાર માર્ગદર્શિકા
સેલ્ફ એન્યુમરેશન પોર્ટલની મદદથી નાગરિકોના સમયની બચત અને ભૂલરહિત માહિતીની નોંધણી
કોઈ પણ પ્રશ્ન માટે ટોલ ફ્રી નંબર-૧૮૫૫ પર ફોન કરી મેળવો જાણકારી
વસ્તી ગણતરીના કર્મચારીઓ દ્વારા ઘરની મુલાકાત વખતે માત્ર જનરેટ થયેલો રેફરન્સ નંબર જ બતાવવો
દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલી સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી-૨૦૨૭ હેઠળ ગુજરાતમાં તા.૧૭મેથી ‘સેલ્ફ એન્યુમરેશન’ની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પ્રક્રિયાને વધુ સરળ, સુરક્ષિત અને પેપરલેસ બનાવવા માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર કચેરી દ્વારા https://se.census.gov.in પોર્ટલ કાર્યરત કરાયું છે. જેના માધ્યમથી નાગરિકો હવે વસ્તી ગણતરીના કર્મચારીઓ દ્વારા કરાતી ઘર મુલાકાત વિના પણ સરળતાથી પોતાના અનુકૂળ સમયે ઘેર બેઠા જ પોતાના પરિવારની સચોટ માહિતી ઓનલાઈન સબમિટ કરી શકે છે.
ડિજિટલ વસ્તી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: પ્રથમ તબક્કામાં મકાનોની યાદી (House Listing) અને બીજા તબક્કામાં વસ્તી ગણતરી (Population Enumeration) કરવામાં આવશે. ડિજીટલ સ્વ-ગણતરીની પ્રક્રિયામાં વધુમાં વધુ લોકો ભાગ લઇ શકે તે માટે સરકાર દ્વારા સત્તાવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ત્યારે સેલ્ફ એન્યુમેરેશન પોર્ટલ પર થતી ડાયરેક્ટ નોંધણીથી નાગરિકોનો સમય બચવાની સાથે ભૂલ રહિત ચોક્કસ માહિતી આપી શકાશે.
સેલ્ફ એન્યુમેરેશન ફોર્મ ભરવાની સરળ પ્રક્રિયા:
નાગરિકો પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા નીચે દર્શાવેલા સરળ પગલાં અનુસરીને આ ફોર્મ ભરી શકે છે:
• પોર્ટલ પર લોગિન અને સાધનોની પસંદગી: નાગરિકોએ https://se.census.gov.in પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય પસંદ કરવાનું રહેશે.
• પરિવારનું રજીસ્ટ્રેશન: લોગ-ઈન થયા બાદ સ્ક્રીન પર ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં ઘરના વડા સહિત પરિવારના તમામ સભ્યોના નામ, ઉંમર, જન્મતારીખ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ અને વ્યવસાય જેવી ડેમોગ્રાફિક વિગતો સચોટ રીતે ભરવાની રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે પરિવારના વડાનું નામ ખૂબ જ કાળજીપૂર્વક દાખલ કરવું, કારણ કે એકવાર સબમિટ થયા બાદ આ નામ બદલી શકાશે નહીં.
• મોબાઈલ નંબરની મર્યાદા: પરિવારના કોઈપણ એક સભ્યનો મોબાઈલ નંબર ઓટીપી(OTP) વેરિફિકેશન માટે આપવાનો રહેશે. એક મોબાઈલ નંબરનો ઉપયોગ માત્ર એક જ પરિવાર માટે થઈ શકશે. ભાષા અને મોબાઈલ નંબરની પસંદગી બાદમાં બદલી શકાશે નહીં.
• OTP વેરિફિકેશન: તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો વન-ટાઇમ પાસવર્ડ(OTP) દાખલ કરીને વેરિફિકેશન કરો અને આગળ વધો. (ખાતરી કરો કે મોબાઈલમાં પૂરતું નેટવર્ક હોય)
• નકશા પર ઘરનું લોકેશન ચિહ્નિત કરવું: પોર્ટલ પર ઉપલબ્ધ નકશામાં આપેલા લાલ માર્કરને ડ્રેગ(સરકાવી) કરીને નાગરિકોએ પોતાના રહેણાંક મકાનની સુવિધાઓ(જેમ કે પાણી, વીજળી, શૌચાલય વગેરે) દર્શાવી અને મકાનનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે, જેથી વેરિફિકેશન વખતે કર્મચારીઓને સરળતા રહે. તમે ડિજિટલ મેપ(નકશા) પર તમારા ઘરનું લોકેશન ચિહ્નિત કરો, ત્યારે સારી વિઝિબિલિટી(દ્રશ્યતા) માટે મોબાઈલના બદલે લેપટોપ અથવા ડેસ્કટોપ નો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
• ૧૧ અંકોનો વિશિષ્ટ SE ID: ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા બાદ અને ડેટાની સમીક્ષા કર્યા પછી નાગરિકોએ ‘Final Submit’ કરવાનું રહેશે. સફળ સબમિશન પછી સ્ક્રીન પર “H” અક્ષરથી શરૂ થતો ૧૧ અંકોનો એક વિશિષ્ટ ‘SE ID’ જનરેટ થશે, જે SMS અને ઈ-મેઈલ દ્વારા પણ મોકલવામાં આવશે. આ આઈડીને સુરક્ષિત નોંધી રાખવો અનિવાર્ય છે.
રૂબરૂ મુલાકાત વખતે વેરિફિકેશન જરૂરી જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર પ્રગણક (Enumerator) નાગરિકોના ઘરે રૂબરૂ મુલાકાતે આવશે, ત્યારે નાગરિકોએ ઓનલાઇન જનરેટ થયેલો આ ‘SE ID’ તેમની સાથે શેર કરવાનો રહેશે. જો આ આઈ.ડી પ્રગણકના મોબાઈલ ડેટા સાથે મેચ થઈ જશે, તો સ્વ-ગણતરીનો ડેટા સીધો સ્વીકારી લેવામાં આવશે. અને જો આઈ.ડી મેચ નહીં થાય, તો પ્રગણક દ્વારા તમામ માહિતી નવેસરથી એકત્રિત કરવામાં આવશે.
રાજ્યભરમાં તા.૩૧ મે સુધી થનારી સ્વ-ગણનામાં વધુમાં વધુ નાગરિકોને ભાગ લેવા અને દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીને સફળ બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. વધુમાં કોઈ પણ પ્રશ્ન માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ ટોલ ફ્રી નં.-૧૮૫૫ પર ફોન કરી વધુ જાણકારી મેળવી શકાશે.





