કાછલ ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી : “સખી પિંક રૂમ”નું ઉદ્ઘાટન, આત્મનિર્ભર મહિલાઓનું સન્માન.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે અનુસંધાને મહુવા તાલુકાના કાછલ ગ્રામપંચાયત દ્વારા મહુવા તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરાના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ગામની બહેનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ગામના સરપંચ શ્રીમતી કલ્પનાબેન ચૌધરી દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.મહિલા સરપંચે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કાછલ ગ્રામપંચાયત સંપૂર્ણ મહિલા સમરસ ગ્રામપંચાયત છે અને સમગ્ર મહિલા ટીમ ગામનો વહિવટ સંભાળી રહી છે. મહિલાઓને વધુ સશક્ત બનાવવા અને તેમને સુરક્ષિત તેમજ સ્વતંત્ર જગ્યા ઉપલબ્ધ થાય તે હેતુથી ગ્રામપંચાયત દ્વારા “સખી પિંક રૂમ”નું નિર્માણ કરીને ગામની તમામ મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યું છે. આ પિંક રૂમ મહિલાઓ માટે નિર્ભયતાનું કેન્દ્ર બની રહેશે, જ્યાં ગામની કોઈપણ મહિલા આવી પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે. પિંક રૂમમાં સેનિટરી પેડ, ફર્સ્ટ એડ બોક્સ, મહિલાઓ માટે ઉપયોગી રોજિંદી વસ્તુઓ તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપતા પોસ્ટર અને બેનરો પણ મૂકવામાં આવ્યા છે.
તે બાદ કાછલ ગામની પરંપરાગત તેમજ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલી આત્મનિર્ભર અને પ્રગતિશીલ મહિલાઓનું ગ્રામપંચાયત કાછલ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખજૂરીના છોડમાંથી સાવરણી બનાવતી બહેનો, શાકભાજી વેચતી મહિલાઓ, સીવણકામ કરતી બહેનો, બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓ, પશુપાલન કરતી તથા નાના-મોટા વ્યવસાય સાથે જોડાયેલી આત્મનિર્ભર પ્રગતિશીલ તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ મહુવા તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલનભાઈ પાવરાના હસ્તે “સખી પિંક રૂમ”નું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે મહિલા સમરસ કાછલ ગ્રામપંચાયત સમગ્ર વિસ્તારમાં મહિલાઓ માટે એક નોંધપાત્ર ઉદાહરણ બની રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી જોઈને તેમણે વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કાછલ ગ્રામપંચાયત દ્વારા મહિલા સશક્તિકરણ માટે કરવામાં આવતા પ્રયત્નો ખરેખર પ્રશંસનીય છે.
સ્પિપાના પૂર્વ અધિકારી શ્રી એચ.જી. પરમારે પણ પોતાના સંબોધનમાં કાછલ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવતા મહિલા સશક્તિકરણના ઉત્તમ કાર્યોને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહુવા પોલીસ મથકમાંથી સી-ટીમ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડી સુપરવાઈઝર જયનાબેન તેમજ પાણી પુરવઠા વિભાગમાંથી અવનીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વિષયલક્ષી માર્ગદર્શન આપીને હાજર મહિલાઓને આરોગ્ય, સુરક્ષા અને સરકારી યોજનાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે ગ્રામપંચાયત કાછલ દ્વારા સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી ઈ-રિક્ષા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા ઉપસ્થિત તમામ બહેનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને સકારાત્મક માહોલમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં ગામના સરપંચ શ્રીમતી કલ્પનાબેન ચૌધરી દ્વારા ગામની તમામ બહેનો તેમજ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




