સુરત નવી સિવિલ ખાતે ધ ટ્રેઇન્ડ નર્સીસ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
પર્યાવરણ સંવર્ધન અને અંગદાન મહાદાન થીમ સાથે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘મહિલા સન્માન’
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેરક ઉપસ્થિતિ
નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા અંગદાન જાગૃતિના પોસ્ટરોનું પ્રદર્શન
સુરત નવી સિવિલ ખાતે ધ ટ્રેઈન્ડ નર્સીસ એસોસિએશન ઓફ ઇન્ડિયા(TNAI), ગુજરાત શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. પર્યાવરણ સંવર્ધન અને અંગદાન મહાદાન થીમ સાથે સમાજમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર મહિલા પત્રકારો, મહિલા તબીબો, દિવ્યાંગ બહેનો, સફાઈકર્મીઓ, મહિલા પોલીસ અધિકારીઓ, સામાજિક ક્ષેત્રે કાર્યરત ૫૦ મહિલાઓને મહાનુભાવો દ્વારા શાલ અને છોડ આપી સન્માનિત કરાયા હતા.
ખાસ કરીને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંગદાન જાગૃતિ માટેના ‘અંગદાન મહાદાન’ વિષયક પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે અંગત અને વ્યાસાયિક જીવનમાં મલ્ટી ટાસ્કિંગ કરતી દરેક સ્ત્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. નર્સિંગ એસોસિયેશન તેમજ નવી સિવિલના તબીબોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. સાથે જ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સમાજમાં પત્રકાર અને પત્રકારત્વની આગવી ભૂમિકા વિષે વાત કરી દરેક સંજોગોમાં કાર્યરત રહેવાના તેમના જુસ્સાની સરાહના કરી હતી. પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષામાં સતત સક્રિય છે, ત્યારે મહિલા પોલીસકર્મીઓ પણ દિનરાત જોયા વિના જનસુરક્ષામાં તૈનાત રહે છે એમ જણાવી શહેરમાં મહિલા સુરક્ષાને હંમેશા અગ્રતા આપવાની ખાતરી આપી હતી.
વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે શહેર ઝોન-૪ ડીસીપી ડૉ.નિધિ ઠાકુરે બદલાતા સમય સાથે આગળ વધતી મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દરેક સ્ત્રીને શારીરિક અને માનસિક તંદુરસ્તીને પ્રાધાન્ય આપવા, પગભર બનવા, આર્થિક સ્વતંત્રતા કેળવવા અને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનવા આહ્વાન કર્યું હતું.
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દાયકા દરમિયાન ધ ટ્રેઈન્ડ નર્સીસ એસો. દ્વારા સમાજની વિવિધ ક્ષેત્રની ૩૫૦૦થી વધુ મહિલાઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવી છે.
આ પ્રસંગે DCP (ટ્રાફિક સેક્ટર-૧) શ્રી પન્ના મોમાયા, VNSGUના કુલપતિ ડૉ.કે.એન.ચાવડા, શ્રીમતિ સંધ્યાબેન અનુપમસિંહ ગહલૌત, પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ડૉ.વિકાસબેન દેસાઈ, નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, RMO ડૉ.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષઈકબાલ કડીવાલા સહિતના મહાનુભાવો અને સન્માનિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા,




