સુરત ગ્રામ્ય LCBનો સપાટો: મહુવાના ડુંગરી ગામેથી ₹3.19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મહુવા:-સુરત જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) એ મોટી સફળતા મેળવી છે. મહુવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ડુંગરી ગામે એક રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે રૂ. 3.19 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ એલ.સી.બી. ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ASI રાજદીપ મનસુખભાઈ, અ.હે.કો. અજીતસિંહ ગોવિંદસિંહ અને નિલેશ જીતુભાઈને બાતમી મળી હતી કે ડુંગરી ગામના ઝાંપ ફળિયામાં રહેતા અક્ષયભાઈ અમિતભાઈ ચૌધરીએ પોતાના ઘરની પજારીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 1197 બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ. 3,19,605/- આંકવામાં આવી છે.
પોલીસ દરોડા દરમિયાન આરોપી અક્ષયભાઈ અમિતભાઈ ચૌધરી ઘરે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





