બોર્ડની પરીક્ષા-૨૦૨૬: કારકિર્દી નિર્માણનો ઉત્સવ’
બારડોલી તાલુકાના લિટલ ફાઈટર્સ: મેડિકલ ઈમરજન્સી અને ઈજાગ્રસ્ત હોવા છતાં મક્કમ મનોબળ સાથે પરીક્ષા આપી
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા SSC-૨૦૨૬નું તા.૨૬મીએ પ્રથમ પેપર ભાષાનું હતું, જેમાં બારડોલી ઝોન ૭૭ માં પ્રથમ ભાષાના ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠીની પરીક્ષામાં કુલ ૮૯૫૯ માંથી કુલ ૮૮૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ૧૫૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
આ પરીક્ષા દરમ્યાન ૪ જેટલાં પરીક્ષાસ્થળ પર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સંબંધિત ઘટનાઓ બની હતી, જેમાં સ્થળ સંચાલકોના ત્વરિત એકશન, બારડોલી ઝોન ૭૭ ના ઝોનલ અધિકારી, ઝોનલ ટીમના સંકલનથી આરોગ્ય કર્મચારીઓની જરૂરી પ્રાથમિક સારવારથી વિદ્યાર્થીઓએ સુખરૂપ પેપર આપ્યા હતા. બારડોલી તાલુકાના આ લિટલ ફાઈટર્સ છે, જેમણે મેડિકલ ઈમરજન્સી અને ઈજાગ્રસ્ત હોવા છતાં મક્કમ મનોબળ સાથે ભયમુક્ત બની પરીક્ષા આપી હતી.
એમ. બી.વામદોત સ્કૂલના વિદ્યાર્થીને જમણા હાથમાં ફ્રેક્ચર છતાં રાઈટર વિના જાતે પેપર લખ્યું
એમ. બી.વામદોત સ્કૂલના વિદ્યાર્થી સવાઈસિંહ પુરોહિતને પરીક્ષાના ૧ દિવસ પહેલા પડી જવાથી જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું. શાળાના આચાર્ય આશાબેન પટેલે વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એ માટે તુરંત રાઈટર મેળવવાની પ્રકિયા પૂર્ણ કરી હતી. પરંતુ આજે પ્રથમ દિવસે સ્વ-પ્રેરણાથી રાઈટરની મદદ વગર તેણે હિંમતભેર પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આપ્યું હતું. પરીક્ષા વિભાગના અધિકારીઓ અને વામદોત શાળાના આચાર્યએ વિદ્યાર્થીને હકારાત્મક અભિગમ અને નીડરતાથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. વિદ્યા સવાઈસિંહે જણાવ્યું કે, મને સવારે લાગ્યું કે જો હું જાતે લખીશ તો તમામ પ્રશ્નોને વધુ સારી રીતે ન્યાય આપી શકીશ. હાથમાં થોડું દુ:ખ્યું પણ મને ખુશી છે કે મેં જાતે લખ્યું અને પેપર પૂર્ણ કર્યું. મારૂ મનોબળ બાકીના પેપર માટે વધુ મજબૂત થયું છે.
ઈમ્યુનીટી લો હોવા છતાં વિદ્યાર્થિનીએ પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે પેપર લખ્યું: ઈમરજન્સી ઉભી થાય તો પહોંચી વળવા આરોગ્ય ટીમ પણ પરીક્ષા સ્થળે ખડેપગે હાજર રહી
અસ્તાન કન્યા વિદ્યાલયની ધો.૧૦ની વિદ્યાર્થિની કવિતા ઉત્તમસિંહ રાજપુતને છેલ્લા કેટલાક દિવસોથી ઇમ્યુનીટી લો હોવાની સમસ્યા હતી. તેનું પ્રથમ પેપર જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ-બારડોલીમાં હતું. આ પેપરના દિવસે પણ તેની તબિયત સારી ન હતી. જેથી વિદ્યાર્થિનીને પરીક્ષાના પ્રથમ દિવસે યોગ્ય બેઠક વ્યવસ્થા કરી આત્મવિશ્વાસ વધે તેવું હકારાત્મક વાતાવરણ સ્થળ સંચાલક સ્નેહલબેન પટેલ અને ઝોનલ ઓફિસર ડો. સંગીતાબેન મિસ્ત્રીએ પુરું પાડ્યું હતું. કવિતાએ અડગ આત્મવિશ્વાસ સાથે પેપર લખ્યું. જે દરમિયાન ઈમ્યૂનિટી ખુબ લો હોવાથી આરોગ્ય વિભાગની ટીમ પણ પરીક્ષા સ્થળ પર ખડેપગે હાજર હતી.
ચાલુ પરીક્ષામાં અચાનક પેટમાં સખત દર્દ: ૧૦૮ બોલાવી પ્રાથમિક સારવાર બાદ રાહત થતા વિદ્યાર્થીએ પરીક્ષા આપી

શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ-કડોદરામાં SSC બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી ભાવેશ પ્રજાપતિને ચાલુ પેપરે અચાનક પેટમાં સખત દર્દ થવા લાગ્યું હતું. તરત જ સ્થળ સંચાલક શ્રી પ્રકાશભાઈ પાટીલે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે બહેનો સવિતાબેન પાટીલ અને અર્ચનાબેન પાટીલની મદદથી પ્રાથમિક સારવાર અપાવી. છતાં પણ દર્દમાં રાહત ન થતાં સ્થળ સંચાલકે ઝોન ૭૭ કચેરીના શ્રી ભરતભાઈ તથા ઝોનલ અધિકારી ડૉ.સંગીતાબેન મિસ્ત્રીનો તાત્કાલિક સંપર્ક કરતા તેમના માર્ગદર્શન હેઠળ આ બાળક પરીક્ષાથી વંચિત ન રહે તેના માટે તરત જ ૧૦૮ ઈમરજન્સીમાં કોલ કરવા સૂચના આપી. સાથે વાલીને પણ વાલીનેજાણ કરી. ૧૦૮ સ્ટાફે બાળકને શાળા કેમ્પસમાં પ્રાથમિક સારવાર આપતા વિદ્યાર્થીને થોડા સમય બાદ રાહત થતા અને સારૂ લાગતા પરીક્ષા ખંડમાં જઈને શાંતિપૂર્વક પરીક્ષા આપી હતી.
બારડોલીના ઇજાગ્રસ્ત વિદ્યાર્થીએ વ્હીલચેર પર બેસી બોર્ડની પરીક્ષા આપી: શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રએ પરીક્ષાર્થી માટે જરૂરી વ્યવસ્થા કરી ઉત્સાહ વધાર્યો
બારડોલીની જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલના ધો.૧૦ ના વિદ્યાર્થી ધ્રુવ લક્ષ્મણભાઈ ગિરાસેને અકસ્માતમાં ગંભીર ફ્રેકચર થવાથી પગે પ્લાસ્ટર સાથે આત્મવિશ્વાસ, ઉત્સાહ અને શાળા-તંત્રના સહયોગથી આ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું.
બારડોલીના બાબેનના વંદનાનગરમાં રહેતા ધ્રુવ ગિરાસેને થોડા સમય પૂર્વે એક અકસ્માતમાં ઇકો ગાડી પગ પર ફરી વળતા ગંભીર ફ્રેક્ચર થયું હતું. આ ઇજાને કારણે તેણે એક માસ સુધી સરદાર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ હલનચલન અશક્ય હોવાથી તેણે ઘરે રહીને જ ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા ધ્રુવની શારીરિક સ્થિતિને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્ર બી.એ.બી.એસ. હાઈસ્કૂલ, બારડોલી ખાતે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. પરીક્ષાના પ્રથમ દિવસે જ્યારે તેના માતા પરીક્ષા કેન્દ્રની બહાર પુત્રની તબિયત અને પરીક્ષાને લઈ ચિંતાતુર હતા, ત્યારે ઝોનલ અધિકારી સંગીતાબેન તથા ચેતનાબેને વાલીને સાંત્વના આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે તે રીતે બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. શાળાના સ્ટાફ દ્વારા ધ્રુવને જરૂરી તમામ પૂરક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી તે માનસિક શાંતિ સાથે પેપર લખી શકે. જેથી પરિવારને હાશકારો થયો હતો.





