શાળાઓ ધો.૧૦ અને ૧૨ના પરીક્ષાર્થીની હોલટિકીટ ડાઉનલોડ કરી શકશે.
શાળાઓ મારફતે પરીક્ષાર્થીઓ હોલટિકીટ મેળવી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે ધો.૧૦ અને ૧૨ની શાળાઓ બોર્ડની વેબસાઇટ gsebht.in અથવા gseb.org સાથે જ ધો.૧૦ માટે ssc.gsebht.in, ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે gen.gsebht.in અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે sci.gsebht.in વેબસાઈટ પરથી શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી જે તે શાળાઓ હોલટિકીટ ડાઉનલોડ કરી શકશે.
દરેક શાળાઓ દ્વારા પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના ફેબ્રુઆરી-૨૦૨૬ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઇ કરીને પ્રવેશપત્ર(હોલટિકિટ)માં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીનો સહી-સિક્કો(અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધો.૧૦ અને ૧૨ની સૂચના(નં.૧ થી ૨૪) પ્રવેશપત્ર(હોલટિકિટ)ના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. તેમજ શાળાઓએ પ્રવેશપત્ર(હોલટિકિટ) સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર (હોલટિકિટ) તથા સૂચનાપ્રત આપ્યા બદલની પરીક્ષાર્થીની સહી લેવાની રહેશે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક, સા.પ્ર(ક-૧)/વિ.પ્ર.(ક) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સચિવશ્રીની યાદીમાં જણાવ્યું છે.





