ઉમરા સબ સેન્ટર-2 પરથી 25 વર્ષીય યુવતી ગુમ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવેલ ગામના 25 વર્ષીય ઉર્વશીબેન ભાસ્કરભાઈ પટેલ ઉમરા સબ સેન્ટર-2 પરથી ગુમ થયા છે. તેઓ 9 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની નોકરી પરથી ગુમ થયા હતા, જે અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉર્વશીબેન 9 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે 9 વાગ્યે પોતાના ઘરેથી એક્ટિવા મોપેડ (નંબર GJ.21.BP.5128) લઈને અંબિકા તાલુકાના ઉમરા ગામમાં આવેલા સબ સેન્ટર-2 પર નોકરી માટે ગયા હતા. બપોરના 1 વાગ્યાની આસપાસ તેઓ કોઈને જાણ કર્યા વગર ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા હતા.
પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવતા કોઈ ભાળ મળી ન હતી અને તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. આખરે, 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ મહુવા પોલીસ હદ વિસ્તારમાં આવતા અંબિકા તાલુકાના અનાવલ આઉટ પોસ્ટ હદ વિસ્તારના ઉમરા ગામેથી ગુમ થયેલ યુવતી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મહુવા પોલીસ સ્ટેશનના અ. હે.કો. હેમંતભાઈ મહેન્દ્રભાઈએ ગુમ થયેલ યુવતીને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.




