આગામી તા. ૨૭મીએ કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે યોજાનારી મોક એકસરસાઇઝને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી
આગામી તા. ૨૭મી ફેબ્રુઆરીના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યોજાનારી મોક એકસરસાઇઝને અનુલક્ષીને આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી મોક એકસરસાઇઝ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતે જાણકારી આપી હતી અને દરેક વિભાગને સોંપવામાં આવેલ કામગીરીથી વાકેફ કર્યા હતા.
જિલ્લા કલેકટરે બેઠક દરમિયાન મોક એકસરસાઇઝ દરમિયાન કરવામાં આવનારી કામગીરી જેવી કે રસ્તા ડાયવર્ટ કરવા, મેડિકલ ટીમ અને તેની કામગીરી, દવા વિતરણ, સ્થળાંતર, અસરગ્રસ્તોની સારવાર માટેની વ્યવસ્થાઓ તેમજ ડિકોન્ટામીશન વગેરે બાબતે વિગતે જાણકારી મેળવી એકસરસાઇઝ દરમિયાન તમામ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી ચોકસાઇપૂર્વક કરવામાં આવે એ માટે તાકીદ કરી હતી.
ઉપરાંત એકસરસાઇઝ દરમિયાન સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો તથા આપદામિત્રો પણ ઉપસ્થિત રહે એ મુજબની વ્યવસ્થા કરવા માટે જરૂરી સૂચના આપી હતી.
મોક એકસરસાઇઝને અનુલક્ષીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વિડિયો કોન્ફરન્સ કરી કાકરાપાર અણુવિદ્યુત મથક, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ, ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સુરત અને ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, વ્યારાને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અધિક કલેકટર વિજય રબારી, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી, માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ, પુરવઠા અધિકારી દર્શન શાહ, જિ.ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



