સખી વન સ્ટોપ સેન્ટરે પ્રેમના આકર્ષણમાં ગેરમાર્ગે દોરાયેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું
સુરતની એક ૧૭ વર્ષીય સગીરા દૂરના સંબંધીના પુત્ર સાથે પ્રેમસંબંધમાં બંધાઈ હતી. યુવક યોગ્ય ન હોવાથી માતા-પિતાએ વિરોધ કર્યો હતો, પરંતુ પ્રેમમાં પાગલ યુવતીએ પરિવાર સાથે રહેવાનો ઇનકાર કરી ગત ૯/૧૧/૨૦૨૫ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ અરજી કરી હતી. યુવતી સગીર હોવાથી તેને ચિલ્ડ્રન હોમ-રાંદેર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યાં સમજાવવાના અનેક પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ, તેને ‘સખી વન સ્ટોપ સેન્ટર’માં રિફર કરવામાં આવી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે યુવતીને ઘર જેવું વાતાવરણ પૂરું પાડી સતત કાઉન્સેલિંગ કર્યું. તેને કારકિર્દી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ ઉંમર પ્રેમની નહીં, પણ શિક્ષણ અને કારકિર્દી ઘડવાની છે એવી સમજ આપી.
સેન્ટર દ્વારા જ્યારે પ્રેમી યુવકનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે યુવતી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. યુવકની હકીકત સામે આવતા અને સ્ટાફની યોગ્ય સમજણ બાદ યુવતીને પોતાની ભૂલ સમજાઈ હતી. તે ઉચ્ચ અભ્યાસ કરવા અને માતા-પિતા પાસે પરત જવા રાજી થઈ હતી.
મહિલા અને બાળ અધિકારીશ્રી આર. એન. ગામિત તથા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ બે મહિનાના લાંબા ગાળા બાદ દીકરીનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારે સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.




