સુરતના અનાથ બે બાળકોને મળ્યો પરિવાર: જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના હસ્તે અપાયો પ્રી-અડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર
જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના હસ્તે અનાથ સુરતના બે બાળકોને મહારાષ્ટ્ર રાજ્યના બે દંપતિઓ સોંપી પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરશ્રીએ દત્તક ઇચ્છુક દંપતીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંચાલિત કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલા ૨ બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિઓને દત્તકપૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યાં છે.
આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજયભાઈ પરમારે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ના નિયમો પ્રમાણે અલગ અલગ બે પરિવારમાં મુંબઈ શહેરનાં બે ઇચ્છુક દંપતિએ એક દીકરો અને દીકરી દત્તક મેળવ્યાં છે. નવા વર્ષનાં આગમન સાથે બાળક વિનાનાં બે પરિવારોમાં લક્ષ્મી અને કુળ દીપકનું આગમન થતાં તેમના પરિવારોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયું છે.
બાળક દત્તક લેવા સત્તાવાર વેબસાઈટ ‘મિશન વાત્સલ્ય’ પર અરજી કરવી
બાળક દત્તક લેવાની કાનૂની પ્રકિયા હેઠળ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(CARA)ની ઓફિશલ વેબસાઇટ ‘મિશન વાત્સલ્ય’ ઉપર અરજી કરવાની હોય છે.
બાળકને દત્તક લેવા માટેની કાનૂની પ્રક્રિયા હેઠળ અનાથ બાળક મળી આવતા સૌ પ્રથમ વાલી-વારસની શોધખોળ માટે અખબારમાં પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ૦ થી ૬ વર્ષના બાળકોને વિશિષ્ટ દત્તક સંસ્થા તેમજ ૬ થી ૧૮ વર્ષ કે તેથી મોટા દીકરાઓને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ(કતારગામ) અને દીકરીઓને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ(રામનગર-રાંદેર) ખાતે આશ્રય આપવામાં આવે છે. ત્યારબાદ ૦ થી ૦૨ વર્ષનાં બાળક હોય તો, ૬૦ દિવસ(૦૨ મહિના) અને ૦૨ વર્ષથી મોટા બાળક માટે ૧૨૦ દિવસ(૦૪ મહિના) સુધી જો કોઈ વ્યક્તિ પાલક હોવાનો દાવો નહીં કરે તો, આવા બાળકને દત્તક લેવા માટે બાળ કલ્યાણ સમિતિ મંજૂરી આપે છે. અને બાળકને કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ ‘મિશન વાત્સલ્ય’ ઉપર દત્તક માટે ઉપલબ્ધ કરાવાય છે. ત્યારબાદ દત્તક ઇચ્છુક દંપતીએ મિશન વાત્સલ્ય ઉપર જરૂરી પુરાવા સાથે અરજી કરવાની હોય છે. ‘મિશન વાત્સલ્ય’ ઉપર અરજી કરનાર ‘દત્તક ઇચ્છુક દંપતિ’ જ બાળક દત્તક મેળવી શકે છે. આ સિવાય બાળકને દત્તક લેવું બિનકાયદેસર હોવાથી આ અપરાધ હેઠળ સજાની જોગવાઈ છે.




