સુરત જિલ્લા પંચાયત દ્વારા ૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ યોજાશે
રાજ્ય સરકારની સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રોની ભૌતિક માળખાકીય સુવિધાઓનું સંરક્ષણ, મરામત તથા સુધારણા સુનિશ્ચિત કરવા માટે આગામી તા. ૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન રાજ્યભરમાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે સુરત જિલ્લા પંચાયત દ્વારા સંબંધિત માર્ગદર્શિકાઓ મુજબ નવીનીકરણની કામગીરી અમલમાં મૂકવામાં આવી રહી છે.
સુરત જિલ્લા પંચાયત સ્વચ્છતા, માળખાકીય સુધારણા અને નવીનીકરણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહી છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન કુલ ૨૪૧ આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી માટે કુલ રૂ. ૬ કરોડ થી વધુ રકમ ફાળવવામાં આવી છે, જેમાં રાજ્ય ગ્રાન્ટ રૂ.૪ કરોડ તેમજ જિ. પં.ના સ્વભંડોળના રૂ.૨ કરોડનો સમાવેશ થાય છે. આ સાથે નવા ૬૬ થી વધુ આંગણવાડી કેન્દ્રોની નવીનીકરણ કામગીરી ૧૬ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન હાથ ધરાશે અને ઝડપભેર ખાતમુહુર્ત કરી કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
ઝુંબેશ અંતર્ગત પોતાના મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રોમાં રંગકામ, નાના-મોટા સમારકામ, સ્વચ્છતા સંબંધિત કામગીરી તથા અન્ય જરૂરી માળખાકીય સુધારણાઓ હાથ ધરાશે. આ કામગીરી જિ. પં. દ્વારા માર્ગ અને મકાન વિભાગના જિલ્લા સ્તરે પેકેજ ટેન્ડર્સ મારફતે ગુણવત્તાયુક્ત અમલીકરણ સાથે સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સાથે જ, કેટલીક કામગીરી CSR હેઠળ પણ હાથ ધરવામાં આવી રહી છે. આમ, જિ. પંચાયત બાળકોના પાયાના શિક્ષણ અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થશે.



