Traffic Tail

વર્ષ ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લામાં ૧૫,૦૦૦ થી વધુ અને રાજ્યની કુલ ૧.૮૩ લાખ મહિલાઓએ અભયમની મદદ મેળવી

SHARE:

‘૧૮૧ અભયમ હેલ્પલાઈન’ બની મહિલા સુરક્ષાની ઢાલ

વર્ષ ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લામાં ૧૫,૦૦૦ થી વધુ અને રાજ્યની કુલ ૧.૮૩ લાખ મહિલાઓએ અભયમની મદદ મેળવી

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા સંચાલિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન રાજ્યભરની પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બની રહી છે.
શારીરિક, માનસિક કે જાતીય સતામણી, ઘરેલું હિંસા, છેડતી કે અન્ય હેરાનગતિની પરિસ્થિતિમાં મહિલાઓને કાઉન્સેલિંગ, માર્ગદર્શન, રિફરલ સેવા અને તાત્કાલિક બચાવકાર્ય દ્વારા યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત, પરિવારિક વિખવાદો, પાડોશી સાથેના તણાવ, કોલ/મેસેજથી હેરાનગતિ અને અન્ય સામાજિક પ્રશ્નો જેવી સમસ્યાઓમાં મહિલાઓને તાત્કાલિક બચાવ, કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડીને સાચી સહેલીની ભૂમિકા ભજવી છે.
સુરત જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧૫,૦૦૯ જેટલી જરૂરિયાતમંદ મહિલાઓની વિવિધ સમસ્યાઓનું નિવારણ કર્યું હતું. જેમાં તેમને મળેલા ૧૫૦૦૯ કોલમાંથી ૨,૭૩૫ કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ડિસ્પેચ કરાઈ હતી. તેમાં ૧,૮૩૮ કેસમાં સમાધાન અને ૭૩૪ કેસોને મહિલાઓના બચાવ અર્થે વિવિધ એજન્સીઓમાં રિફર કરાયા હતા.
૧૮૧ અભયમને મળેલા કુલ કોલમાં ૨૪૯ કસ્ટડીના, ૭,૨૬૨ ઘરેલુ હિંસાના, ૧૧૪૬ લગ્ન જીવનના વિખવાદોના, ૩૫૩ જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના, ૨૧૨૫ શારીરિક-માનસિક-જાતીય હેરાનગતિના, ૩૭૩ પરિવાર દ્વારા તરછોડાયેલા, ૩૨૬ અન્ય સબંધોના, ૨૧૯ કાયદાકીય માર્ગદર્શનના, ૩૮૩ બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિનાં તેમજ અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના ૨,૩૬૩ જેટલા કોલ આવ્યાં હતાં.
સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.એસ.સી, પી.બી.એસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફથી મળેલા સહયોગથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ૨૪x૭ કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ગત વર્ષે મદદ માટે રાજ્યમાંથી કુલ ૧,૮૩,૫૨૦ કોલ આવ્યા હતા. જેમાં ૩૭,૭૮૦ જેટલા અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી મદદ, માર્ગદર્શન અને બચાવકાર્ય કર્યા છે. જયારે અન્ય કિસ્સાઓમાં અસરકારક કાઉન્સેલિંગ, સરકારી એજન્સીઓ સાથે સંકલન કરી આશ્રય, જરૂરી સહયોગ અને સમાધાન કરાવ્યું હતું.
આમ, આજે ગુજરાતની નારીઓ માટે ‘૧૮૧’ માત્ર એક નંબર નહીં, પણ મુશ્કેલીના સમયે સાચી મદદ આપતી મહિલા સુરક્ષાની ઢાલ બની છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!