Traffic Tail

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કાર્યશાળા-૨૦૨૫’ અંતર્ગત ભારત નામ-ગૌરવ સન્માન સમારોહ યોજાયો

SHARE:

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કાર્યશાળા-૨૦૨૫’ અંતર્ગત ભારત નામ-ગૌરવ સન્માન સમારોહ યોજાયો
 
શિક્ષણ માત્ર રોજગાર માટે નહીં, સશક્ત અને વિકસિત રાષ્ટ્ર માટેનો માર્ગ છે: શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
 
રાષ્ટ્રીય કાર્યશાળાઓ શિક્ષણ, સંસ્કૃતિ અને સામાજિક સમતાને નવી દિશા આપે છે: શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા
શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હી, સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાન (SVNIT), સુરત તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળા-૨૦૨૫ અંતર્ગત સાર્વજનિક કાર્યક્રમ અને ‘ભારત નામ-ગૌરવ સન્માન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ મંત્રીશ્રી ડો.પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અમલી બની છે, જે ૨૧મી સદીના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. માત્ર શિક્ષા પ્રાપ્ત કરીને રોજગારી મેળવવી એ જ આપણું અંતિમ લક્ષ્ય નથી, પરંતુ શિક્ષા દ્વારા વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું એ આપણું મુખ્ય ધ્યેય છે. શિક્ષા જ્ઞાન પ્રાપ્તિનો અમૂલ્ય માર્ગ છે, જે માનવજીવનને દિશા અને દૃષ્ટિ આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત’ માટેનું ઉચ્ચ શિક્ષા બિલ પસાર થવું એ દેશના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ બિલના અમલથી ભારતને સશક્ત અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં નવી દિશા મળશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને નવીનતાને પ્રોત્સાહન મળશે. શિક્ષા માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ જ્ઞાન, મૂલ્યો અને સંસ્કાર પ્રાપ્ત કરવાનો સર્વાંગી માર્ગ છે. રાજ્ય સરકાર માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે પણ સતત આગળ વધી રહી છે, જેના કારણે શિક્ષણ વધુ સુલભ અને આધુનિક બની રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણ, સંસ્કૃતિ અને સામાજિક ન્યાય એકબીજાથી અવિભાજ્ય રીતે જોડાયેલા છે. રાષ્ટ્રીય કાર્યશાળાઓ દ્વારા વિચારવિમર્શ, સંશોધન અને સંવાદ માટે એક મજબૂત મંચ ઉપલબ્ધ થાય છે, જે સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા કાર્યક્રમો ‘શિક્ષિત, સંસ્કારિત અને સમાનતાપૂર્ણ સમાજ’ના નિર્માણ માટે પ્રેરક બને છે.
રાષ્ટ્રીય કાર્યશાળા-૨૦૨૫ અંતર્ગત આયોજિત ભારત નામ-ગૌરવ સન્માન સમારોહમાં શિક્ષણ, સંસ્કૃતિ, સામાજિક સેવા અને જ્ઞાનવિસ્તાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ રાષ્ટ્રીય સચિવશ્રી ડો.અતુલભાઈ કોઠારી, નર્મદ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડા, SVNIT ડિરેક્ટરશ્રી અનુપમ શુક્લા, રાષ્ટ્રીય સંયોજકશ્રી જયેન્દ્રસિંહ જાદવ, SVNIT કોલેજ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણવિદો, સંશોધકો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!