ભુકંપના કારણે કવાસ ખાતે ઈન્ડિયન ઓઈલ ટર્મિનલમાં આગ લાગવા અંગેની રાજયકક્ષાની મોકડ્રીલ યોજાઈ
ઓઈલ અને કેમિકલ્સ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટે પરસ્પર સંકલનના હેતુ સાથે મોકડ્રીલ યોજાઈઃ
રાજ્યના મોટા ઓઇલ અને કેમિસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિત ધટનાઓના સમયે આવી પડેલી આપદાઓને પહોચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઈસીસ ગ્રુપના સંયુકત ઉપક્રમે આજરોજ ઈચ્છાપોર, કવાસ સ્થિત ઈન્ડિયન ઓઈલ હજીરા ટર્મિનલ ખાતે ભુકંપના આંચકાના કારણે ઓઈલ લિકેજ થતા વિકરાળ આગને કાબુમાં લેવા અંગેની રાજયકક્ષાની સફળ મોક ડ્રીલ યોજાઈ હતી.
સવારે ૯.૩૦ વાગે ભુકંપના આંચકાના કારણે હજીરાના કવાસ સ્થિત ઈન્ડિયન ઓઈલ હજીરા ટર્મિનલ ખાતે એમ.એસ. ટેન્ક નં.૧માં ઓઇલ લીકેજ થતા આગ લાગી હતી. આગ કાબુમાં લેવા સ્થાનિક IOCLના ફાયર
જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ પ્રસરતા ઈમરજન્સી-૧ જાહેર કરવામાં આવી હતી. વધુ મદદ માટે નજીકની ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઓએનજીસીના ફાયર ફાયટરો આવી પહોચ્યા હતા. આઈ.ઓ.સી.એલ. ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ભારે લીકેજ અને ટેન્ક/પાઈપલાઈન/ડાઈક તૂટી જવાથી આગ બેકાબુ બની હતી. જેથી આગ પર કાબુ ન આવતા આઈ.ઓ.સી.એલ દ્વારા ઈમરજન્સી-૩ જાહેર કરી ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (DDMA) સક્રિય થયું હતું. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સુરત ફાયર, પોલીસ તથા આરોગ્ય ટીમોને જાણ કરી મદદ માટે ધટના સ્થળ મોકલવામાં આવી હતી. તત્કાલ પ્રાંત અધિકારી(ઉત્તર) શ્રીમતી નેહાબેન સવાણી ધટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાંત અધિકારીની સૂચના મુજબ DEOC તમામ સંબંધિત લાઇન વિભાગોને રાહત, બચાવ માટે જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક તમામ કર્મચારીઓને ગ્રીન ઝોનમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના ફાયર કચેરીના જવાનો મદદ માટે આવી પહોંચ્યા હતા. પાલિકાના ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. તત્કાલ ૧૦૮ તથા સિવિલ સ્મિમેર હોસ્પિટલની ડોકટરોની ટીમો એમ્યુલન્સ સાથે ધટના સ્થળ પર આવી પહોંચી હતી. ડોકટરો દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુ મદદ માટે સિવિલ ડિફેન્સ તથા એન.સી.સી. ટીમો આવી પહોચી હતી. પોલીસ વિભાગ દ્વારા તમામ ટ્રાફિક સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આગ વધુ પ્રસરતા વધુ મદદ માટે એનડીઆરએમ અને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો આવી પહોચી હતી. તમામ ટીમો સાથે મળીને યોગ્ય સંકલન સાથે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મોકડ્રીલના અંતે જીપીસીબી દ્વારા પર્યાવરણની ચકાસણી કરી પ્રાંત અધિકારીના સંકલન રહી મોકડ્રીલને પુર્ણ જાહેર કરવામાં આવી હતી.
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓના ટેકનિકલ એક્ષપર્ટીઝ અને માર્ગદર્શન હેઠળ મોકડ્રીલને સફળ બનાવવામાં આવી.
મોકડ્રીલ બાદ એસ.ડી.આર.એફ, પોર્ટ ઓફિસર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હજીરા સ્થિત કંપનીઓના ફાયર ઓફિસરો ટીમોએ મોકડ્રીલ અંગેના મંતવ્યો વર્ણવ્યા હતા. મોકડ્રીલમાં વનવિભાગ, માહિતી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ, ડીજીવીસીએલ, જીએસઆરટીસી વિભાગો સહિતના સંબધિત વિભાગના નોડલ અધિકારીઓએ મોકડ્રીલમાં જોડાઈને સફળ બનાવી હતી.






