આગામી ૧૩ ડિસેમ્બરે સુરત જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
તા.૧૮ થી ૨૬ નવેમ્બર દરમિયાન DGVCLના પેન્ડિંગ દાવાઓમાં પક્ષકારોને તેમની વિરુદ્ધના કેસોનો સમાધાનથી નિકાલ કરવા અનુરોધ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળની અનુશ્રામાં સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.૧૩/૧૨/૨૦૨૫ના રોજ સમગ્ર સુરત જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે. જેમાં લેણી રકમના સિવિલ દાવા માટે ખાસ કન્સીલીએશન બેન્ચની રચના કરાયેલી છે. તેમજ નિષ્પક્ષ અને અનુભવી કન્સીલીએટરની નિમણુંક કરવામાં આવી છે. વધુમાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ(ડી.જી.વી.સી.એલ.) ના અલગ અલગ અદાલતોમાં પેન્ડિંગ દાવાઓમાં આગામી તા.૧૮/૧૧/૨૦૨૫થી ૨૬/૧૧/૨૦૨૫ સુધીની તારીખો માટે પક્ષકારોને બહોળી સંખ્યામાં કન્સીલીએશનની નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. જેમાં પક્ષકારો તેઓની વિરૂદ્ધના વિજ બિલના લેણી રકમના દાવાઓમાં નિયમ અનુસાર વ્યાજ માફી મેળવી બાકી રહેતી રકમ એકીસાથે અથવા તો હપ્તાથી ભરી પોતાના કેસનો સમાધાનથી નિકાલ કરી શકશે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૫માં સુરત જિલ્લામાં યોજાયેલી પ્રથમ લોક અદાલતમાં કુલ ૧,૫૨,૦૩૨, દ્વિતીય લોક અદાલતમાં કુલ ૩,૫૪,૯૯૭ તેમજ તૃતિય લોક અદાલતમાં કુલ ૨,૪૩,૪૫૧ કેસોનો સમાધાનથી નિકાલ થયો હતો. એ જ રીતે પક્ષકારોને આ વર્ષની છેલ્લી લોક અદાલતમાં ભાગ લઇ પોતાની તકરારોનો સમાધાનથી નિકાલ કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવશ્રી ડી.આર.જોષી દ્વારા અનુરોધ કરાયો છે.




