સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે.બેંકના બ્રાન્ચ મેનેજર અને અન્ય કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે વારંવાર ઉદ્ધત અને અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બેંકના કર્મચારીઓ નિયમિત કામકાજ માટે આવતા ગ્રાહકોને યોગ્ય પ્રતિસાદ આપતા નથી.ખાસ કરીને વૃદ્ધ અને સામાન્ય નાગરિકો સાથેનું તેમનું વર્તન તદ્દન અસહ્ય હોય છે.બેંકમાં સામાન્ય કામગીરી માટે આવનાર ગ્રાહકોએ લાંબો સમય સુધી રાહ જોવી પડે છે, અને જ્યારે કર્મચારીઓને આ અંગે પૂછવામાં આવે ત્યારે તેઓ યોગ્ય જવાબ આપવાને બદલે ઉદ્ધતાઈભર્યો વ્યવહાર કરતા હોવાના આક્ષેપો ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા છે.સોમવારે બપોરે મહુવા ગામના અને પારસી સમાજના અગ્રણી પોરસભાઈ મોગલ સાથે બેંક મેનેજર દ્વારા ઉદ્ધત વર્તન કરી તેમને નાણાકીય લેવડ દેવડની કામગીરીમા સહકાર ન આપતા બેંક મેનેજરની કામગીરી સામે તેઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.આ મામલે તેઓ દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીને અને મહુવા ધારાસભ્ય મોહનભાઈને લેખિત રજુઆત કરવાની તૈયારી બતાવી છે.હાલ તો મહુવા બેંક ઓફ બરોડા બ્રાન્ચની કામગીરી થી ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ત્યારે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આ મામલે બેંકના જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી માંગ ગ્રાહકો સેવી રહ્યા છે.






