આગામી તા.૭ સપ્ટેમ્બરે શહેરમાં યોજાનારી નાયબ સેકશન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-૩(દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી)ની પરીક્ષા અંગે જાહેર પ્રતિબંધો
આગામી તા. તા.૭/૯/૨૦૨૫ને રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૧૧:૦૦થી ૧૩:૦૦ વાગ્યા સુધી રાજ્યભરમાં યોજાનારી નાયબ સેકશન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-૩(દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી)ની પરીક્ષા સુરત શહેરમાં ૩૩ કેન્દ્રો પર લેવાનાર છે.
જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ, પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલા ૭૯ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર, ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા પર. વાહનો ઉભા રાખવા પર, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ નાં કર્મચારીઓએ પરીક્ષા કેન્દ્રની ફરજ દરમિયાન પોતાનું આઈ કાર્ડ સાથે રાખવાનું રહેશે. એ સિવાય કોઈને પણ પ્રવેશ મળશે નહિ. આ હુકમ પરીક્ષામાં રોકાયેલ અને સરકારી નોકરી કે રોજગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહિ. આ હુકમનો અમલ તા.૭/૯/૨૦૨૫ એ અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.




