જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને સક્ષમ શાળા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયોઃ
જિલ્લા-તાલુકાકક્ષાની સક્ષમ શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવીઃ
‘શિક્ષિત અને સ્વસ્થ બાળકો વિકસિત સમાજ અને દેશના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.’: ડીડીઓશ્રી શિવાની ગોયલ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે ‘સક્ષમ શાળા પુરસ્કાર’ સમારોહ યોજાયો હતો. જેમાં સુરત શહેર, તાલુકા-જિલ્લાકક્ષાએ સ્વચ્છ, હરિયાળી અને સલામત તેમજ સર્વાંગી વિકાસ ધરાવતી પ્રાથમિક અને માધ્યમિક ગ્રામીણ– શહેરી–નિવાસી શાળાઓને પસંદ કરીને સક્ષમ શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણના આગવા મહત્વ વિષે સમજ આપી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ વિકસિત દેશના પાયામાં શિક્ષણ અને આરોગ્ય બે મહત્વના સ્તંભ તરીકે કાર્ય કરે છે. શિક્ષિત અને સ્વસ્થ બાળકો વિકસિત સમાજ અને દેશના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને બાળકોના પ્રાથમિક શિક્ષણ પર ભાર આપી શિક્ષકોને શરૂઆતના વર્ષોમાં વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપી તેઓને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવાની હિમાયત કરી હતી.
વધુમાં ડી.ડી.ઓએ બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષકોના અમુલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે શિક્ષકોને સજાગતાથી બાળકોના ભણતર સાથે તેમના યોગ્ય ઘડતરને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. દૈનિક સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે એક જાગૃત વિદ્યાર્થી તરીકેની તેમની ફરજ તેમના ચારિત્ર્યમાં ઝળકે એવા નિશ્ચિત પ્રયાસો કરવા શિક્ષકોને આહ્વાન કર્યું હતું. જિલ્લાના શિક્ષકોને કહ્યું કે, તેમને જવાબદારી બાળકોના જીવન ઘડતર માટે ખૂબ ઉપયોગી છે.
સક્ષમ શાળા પુરસ્કાર સમારોહમાં જિલ્લા કક્ષાની ત્રણ પ્રાથમિક શાળા અને સુરત શહેરની પ્રા. અને મા. વિભાગની એક-એક શાળા તેમજ તાલુકા કક્ષાની ૧૦ શાળાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ રૂપે સન્માન પત્ર સાથે રોકડ રાશી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિ.પં.શિ.સમિતિ ચેરમેનશ્રી ભારતીબેન રાઠોડ, જિ.શિ.અધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર, જિ.પ્રા.શિ.અધિકારી ડૉ.અરુણ અગ્રવાલ, જિ.શિ.તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ.સંજયસિંહ બારડ સહિત વિવિધ શાળાઓના અધિકારી/કર્મચારી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


