ઓલપાડ તાલુકાની સર્વોદય વિદ્યાલય-સેગવાછામા ખાતે શાળા વિકાસ સંકુલ- ૧, ૨ અને ૧૦ના આચાર્યો માટે માર્ગદર્શન સેમિનાર અને AI વર્કશોપ યોજાયો
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-સુરત દ્વારા ઓલપાડ તાલુકાની સર્વોદય વિદ્યાલય-સેગવાછામા ખાતે સુરતના શાળા વિકાસ સંકુલ ૧,૨ અને ૧૦ના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર મા.વિભાગના આચાર્યો માટે શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન સેમિનાર તથા AI વર્કશોપ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે શ્રેષ્ઠ પરિણામો બદલ શાળાના આચાર્યોને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત, બાળકોના સર્વાંગી વિકાસ માટે નવીન ટેકનોલોજી તેમજ AIનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરી શિક્ષણને વધુ વ્યાપક અને રૂચિકર બનાવવા હિમાયત કરી હતી.
મદદનીશ શિક્ષણ નિરીક્ષક ડૉ સંગીતાબેન મિસ્ત્રીએ શાળાઓને LC, GR, શાળાપ્રવેશ, RTE પ્રવેશ, શાળા નોંધણી, GSEB રજિસ્ટ્રેશન સહિતની બાબતોમાં ચોકસાઈ રાખવા જણાવી વિવિધ પરીક્ષામાં વિદ્યાર્થીઓની સહભાગિતા, પરીક્ષામાં કેન્દ્ર સંચાલકની ભૂમિકા, શાળા દસ્તાવેજીકરણ, CTS અપડેશન જેવી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. AEI કરીમભાઈ સમનાણીએ નામ, અટક, જાતિ સુધારણા અંગે તથા AEI શીતલબેન પટેલે સમકક્ષતા પ્રમાણપત્ર અંગે વિસ્તૃત સમજ આપી હતી.
સરકારી હાઈસ્કૂલ-જામકોઈનાશ્રી જતિનભાઈ રામાણીએ સેમિનારમાં AIનો ઇતિહાસ જણાવી શિક્ષણ ક્ષેત્રે AIના ઉપયોગથી થતા ફાયદા વિષે પ્રેઝન્ટેશનથી જાણકારી આપી હતી.
આ પ્રસંગે શાળાના પ્રમુખ શાંતિભાઈ, આચાર્ય મુકેશભાઈ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક હર્ષદભાઈ કાનાણી, મ.શિ.નિરીક્ષકો દિપાલીબેન, હેતલબેન અને નિતેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.


