શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫
મહુવા તાલુકાની મહુવા પ્રા.શાળા અને બિડ વર્ગ પ્રાથમિક શાળામાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ આંગણવાડી, ધો.૧ અને બાળવાટિકામાં ૨૩ ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવ્યો
બાળકો દેશનું ભવિષ્ય છે, જેને શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે સુસંસ્કારિત કરવાની જવાબદારી નિભાવવાની છેઃ ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિવસે મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડીયાની મહુવા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૧૮, આંગણવાડીમાં ૦૨ મળી કુલ ૨૦ અને બિડ વર્ગ પ્રાથમિક શાળાના બાલવાટિકામાં ૦૩ એમ બન્ને શાળા મળીને કુલ ૨૩ બાળકોને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી ઉમંગભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ધારાસભ્યશ્રીના હસ્તે શાળાના ભૂલકાઓને સ્કુલબેગ, નોટબુક, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ એ બાળકો અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે હકારાત્મકતા નિર્માણ કરનારો કાર્યક્રમ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની પ્રણાલી શરૂ કરી હતી, જેના કારણે આજે બાળકો હસતાં-હસતાં શાળાએ આવે છે. અધિકારી-પદાધિકારીઓ પણ શાળા આ ઉત્સવમાં ધામધૂમથી બાળકોને પ્રવેશ કરાવે છે. શાળાકીય અભ્યાસ ડોક્ટર, એન્જિનિયર અને સારા નેતા બનવાનું પગથિયું છે. માટે બાળક ભણીગણીને આગળ વધે તે માટે શિક્ષકો અને વાલીઓએ જાગૃત બનીને કાર્ય કરવું પડશે. બાળકો દેશનું ભવિષ્ય છે, જેને શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે પરિશ્રમ કરવાનો અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રીએ ભૂલકાઓ સાથે ભાવનાત્મક સંવાદ સાધી ભાર વગરના ભણતર માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાની બાળાઓએ સુંદર ગીતો પર અભિનયકૃતિઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે જિ.પં.ના સભ્ય જિનેશ ભાવસાર, તા.પં.ના સભ્ય કૌશિકાબેન પટેલ, અગ્રણી ભાવિન નાયક, મહુવા બીટ નિરીક્ષક જયેશ પટેલ, મહુવાના સરપંચ અનિલભાઇ, ગામના દાતાઓ, આરોગ્ય કર્મચારીઓ, અગ્રણીઓ, વડીલો, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.


