“દિનવિશેષ- ૨૩ એપ્રિલ- વિશ્વ પુસ્તક દિવસ”
૧૯૩૯ માં સ્થપાયેલી સુરતની સૌથી જૂની લાઈબ્રેરીઓમાંની એક ‘ધી કમર ફ્રી લાઈબ્રેરી’

સોદાગરવાડમાં આવેલી ‘ધી કમર ફ્રી લાઈબ્રેરી’માં ૧૧ હજાર પુસ્તકો ઉપલબ્ધ: ઉર્દુ ભાષામાં ૬૫૦૦, ગુજરાતીમાં ૨૦૦૦, અંગ્રેજીમાં ૨૦૦૦ અને હિન્દીમાં ૫૦૦ જેટલા પુસ્તકોનો અમૂલ્ય ખજાનો
ઉર્દુ ભાષાના મિરાત-એ-સિકંદરી, દરબાર-એ-અકબરી અને ફારસી ભાષામાં હકીકત-એ-સુરત જેવા ૧૫૦ થી વધુ વર્ષ જૂના અલભ્ય પુસ્તકો લાઈબ્રેરીની શોભા વધારે છે

સંપૂર્ણ વાતાનુકૂલિત અને વાઈફાઈની સુવિધાથી સજ્જ આ લાઈબ્રેરીમાં સમાજના તમામ વર્ગના નાગરિકો, સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ જ્ઞાનક્ષુધા સંતોષે છે
જૂના દુર્લભ પુસ્તકોના ડિજિટલ આર્કાઈવિંગથી જ્ઞાનના ભંડારને ડિજીટલ દુનિયા સુધી લઈ જવાનું કાર્ય પ્રગતિમાં
બે મહિનામાં એક રવિવારે લેખકો સાથે મુલાકાત, પુસ્તક ચર્ચા, નોલેજ વર્કશોપનું પણ આયોજન થાય છે

દર વર્ષે ૨૩ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ ૧૯૯૫ માં આ દિવસને ‘વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ’ તરીકે ઘોષિત કર્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાંચન, પ્રકાશન અને બૌદ્ધિક સંપત્તિ અધિકારોના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. આ તારીખને પસંદ કરવાની પાછળનું કારણ એ છે કે ૨૩ એપ્રિલ એ વિલિયમ શેક્સપિયર અને મિગેલ દે સર્વાન્ટેસ જેવા મહાન સાહિત્યકારોના મૃત્યુદિન સાથે જોડાયેલો છે.
વિશ્વ પુસ્તક દિવસે સુરતની ‘ધી કમર ફ્રી લાઈબ્રેરી’ (The Qamar Free Library)ની રોચક ગાથા જાણવા જેવી છે. સુરતના સોદાગરવાડ વિસ્તારમાં આવેલી અને ૧૯૩૯ માં સ્થપાયેલી સુરતની સૌથી જૂની લાઈબ્રેરીઓમાંની એક છે. તત્કાલીન સમયે કેટલાક ઉત્સાહી મુસ્લિમ યુવાનોએ સાથે મળી જાગૃત્ત દાતાઓના આર્થિક સહયોગથી
સોદાગરવાડ વિસ્તારમાં લાલમહલ નામના મકાનમાં ભાડેથી લાઈબ્રેરી શરૂ કરી હતી. એ સમયે સુરતના મુહમ્મદ ઉમર ઉસ્માન ટોપીવાલા નામના પ્રબુદ્ધ વિચારક આ લાઈબ્રેરીમાં પોતાનું સામયિક મોકલતા. તેઓ ૧૭ વર્ષની ઉંમરે ‘કમર’ માસિક સામયિકની શરૂઆત કરી હતી. ૧૧ વર્ષ તેમણે સામયિક ચલાવ્યું. આ સામાયિકના કારણે તેઓ કમરવાલા’ના ઉપનામથી પ્રખ્યાત થયા હતા. તેઓ જે વાંચકો, સંસ્થાઓને મેગેઝિન મોકલતા તેઓ સામેથી અનેકવિધ પુસ્તકો પણ ટોપીવાલાને ભેટ સ્વરૂપે મોકલતા હતા. આ રીતે મુહમ્મદ ઉસ્માન ટોપીવાલા પાસે અમૂલ્ય પુસ્તકોનો ખજાનો એકત્રિત થયો. ટોપીવાલાએ આ તમામ પુસ્તકોનો આમ જનતાને પણ લાભ મળે એ માટે આ લાઈબ્રેરીને ભેટ આપી દીધા. ૧૯૪૧માં માત્ર ૩૧ વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા જેથી તત્કાલીન કમિટી દ્વારા મરહૂમ ટોપીવાલા અને લોકોમાં પ્રખ્યાત ‘કમરવાલા’ની સ્મૃતિમાં તેમના નામ પરથી ‘કમર ફ્રી લાઈબ્રેરી (કમર નિ:શુલ્ક લાઈબ્રેરી) એવું નામકરણ કરવામાં આવ્યું.
આ લાઈબ્રેરીની ઉડીને આંખે વળગે તેવી વિશેષતા એ છે કે તે સંપૂર્ણ વાતાનુકૂલિત અને વાઈફાઈની સુવિધાથી સજ્જ છે. અહીં ૧૧ હજાર પુસ્તકો ઉપલબ્ધ છે, જેમાં ઉર્દુ ભાષામાં ૬૫૦૦, ગુજરાતીમાં ૨૦૦૦, અંગ્રેજીમાં ૨૦૦૦ અને હિન્દીમાં ૫૦૦ જેટલા પુસ્તકોનો અમૂલ્ય ખજાનો છે. એટલું જ નહીં, આશરે ૧૫૦ થી વધુ વર્ષ જૂના ઉર્દુ ભાષામાં મિરાત-એ-સિકંદરી, દરબાર-એ-અકબરી અને ફારસી ભાષામાં હકીકત-એ-સુરત જેવા અલભ્ય પુસ્તકોનો ખજાનો સંગ્રહિત છે. ૧૦૦ જેટલા અખબારો અને
સામયિકો અહીં દરરોજ આવે છે. મુઘલ યુગના અન્ય ઉર્દુ અને ફારસી ગ્રંથો, ૧૫ જેટલી વિવિધ મહત્વપૂર્ણ ડિક્ષનરીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રકાશનો, રાજકીય, સામાજિક, ધાર્મિક, કલા-સાહિત્ય, જીવનચરિત્રો ગ્રંથોથી લઈને ડિજિટલ સામયિકો પણ વાંચવા મળે છે.
ખૂબ જૂની હોવા છતાં આ લાઈબ્રેરીએ ડિજિટલ ટેકનોલોજીને આત્મસાત કરી છે. લાઈબ્રેરી ડિજિટલ રિડીંગનો પણ અનુભવ કરાવે છે, જેમાં ટચસ્ક્રીન ટેબ્લેટ્સ અને ઈ-રિડર્સ દ્વારા વાચકો ડિજિટલ પુસ્તકોનો આનંદ લઈ શકે છે. સમાજના તમામ વર્ગના નાગરિકો, સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ જ્ઞાનક્ષુધા સંતોષતી આ લાઈબ્રેરી પ્રાચીન સ્થાપત્ય શૈલી ધરાવે છે. અહીં ફ્રી વાઈ-ફાઈની સુવિધા, ઓનલાઈન કેટલોગ અને ઈ-પુસ્તકોનો વિશાળ સંગ્રહ વાચકોને જ્ઞાનની નવી દુનિયાની સફર કરાવે છે. બે મહિનામાં કોઈ એક રવિવારે લેખકો સાથે મુલાકાત, પુસ્તક ચર્ચા, નોલેજ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે.
ગત ફેબ્રુઆરી-૨૦૨૪માં રૂ.૩૫ લાખના ખર્ચે લાઈબ્રેરીને રિનોવેટ કરાઈ હતી, જેમાં સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ કે.પી. ગ્રુપના સી.એમ.ડી. ડો.ફારુખભાઈ પટેલે રૂ.૧૪ લાખનું યોગદાન આપ્યું હતું. ઉપરાંત, વિદ્યાર્થીઓ આધુનિક સમય સાથે તાલ મિલાવીને વૈશ્વિક જ્ઞાન મેળવી શકે, ઈ-બુકસ વાંચી શકે એ માટે ડો.ફારુખભાઈએ રૂ.બે લાખના ખર્ચે ૧૨ ટચસ્ક્રીન ટેબ્લેટ અને ચાર કોમ્પ્યુટર પણ અર્પણ કર્યા છે.
છેલ્લા ૮૬ વર્ષથી જ્ઞાનપિપાસુઓની જ્ઞાનક્ષુધા સંતોષતી આ લાઈબ્રેરીની સુપરવિઝન કમિટીના મેમ્બર અને ૪૦ વર્ષથી મુખ્ય સુપરવાઈઝર તરીકે સેવા આપતા ડો. મુહમ્મદ ઉમર હકીમ જણાવે છે કે, પુસ્તકાલય માત્ર પુસ્તકોનું સંગ્રહસ્થાન નથી, પરંતુ તે એક જીવંત જ્ઞાન કેન્દ્ર છે જ્યાં ભૂતકાળ ભવિષ્ય સાથે જોડાય છે. આ લાઈબ્રેરીમાં દૈનિક ૧૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસકીય વાંચન માટે આવે છે. સવારે ૮.૦૦ થી રાત્રે ૮.૦૦ સુધી લાઈબ્રેરીમાં આવી નિ:શુલ્ક વાંચન કરી શકાય છે. જ્યારે ઘરે પુસ્તકો લઈ જવા માટે વાર્ષિક રૂ.૧૦૦ ફી ભરીને સભ્યપદ મેળવી શકાય છે.
ધી કમર ફ્રી લાઈબ્રેરીના ચેરમેનશ્રી અબ્દુલ વાહીદ દરિયાઈ (CA) જણાવે છે કે, પટ્ટની ક્રેડિટ કો.ઓપ.સોસાયટીના માર્ગદર્શનમાં ધી કમર ફ્રી લાઈબ્રેરીની કમિટી દ્વારા સંચાલન કરવામાં આવે છે. અમે હાલ જૂના દુર્લભ પુસ્તકોનું ડિજિટલ આર્કાઈવિંગ કરી રહ્યા છીએ. જેમાં દુર્લભ પુસ્તકોની ઈ-બુક બનાવીને અમારી વેબસાઈટ અને ટેબ્લેટ પર તબક્કાવાર ઉપલબ્ધ કરાવીશું. પુસ્તકોના
ડિજિટલાઈઝેશનનું કાર્ય પ્રગતિમાં છે. બોર્ડની પરીક્ષાના સમયમાં અમે વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે રાત્રિના ૧૧.૦૦ વાગ્યા સુધી લાઈબ્રેરી ખૂલ્લી રાખીએ છીએ.
એડવોકેટ ઈરફાન અહમદ મોમ્બાસાવાલા વકીલાતના વ્યવસાયની સાથે લાઈબ્રેરી કમિટીમાં સેવા આપે છે. તેઓ જણાવે છે કે, કોઈ પણ પ્રકારના ધર્મ કે વર્ગભેદ વિના ચાલતી આ લાઈબ્રેરીને વધુ ડિજીટલ તેમજ સુવિધાયુક્ત બનાવવા અમારી પટ્ટની ક્રેડિટ કો.ઓપ.સોસાયટી કટિબદ્ધ છે. અમે અહીં બાળકો માટે કિડ્સ લાઈબ્રેરી પણ શરૂ કરી છે. અમારી વેબસાઈટ દ્વારા વિશ્વભરના વિદ્યાર્થીઓ અને સંશોધકો આ દુર્લભ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે.
લાઈબ્રેરીના નિયમિત વાંચક એવા યુવા વિદ્યાર્થી ફહામ શેખ ડોક્ટરેટ ઓફ ફાર્મસીનો અભ્યાસ કરે છે. તેઓ જણાવે છે કે, શાંતિપૂર્ણ વાંચન માટે આ લાઈબ્રેરી મારી પહેલી પસંદ છે. લાઈબ્રેરીનું મેનેજમેન્ટ કાબિલેતારીફ કામગીરી કરી રહ્યું છે. અહીં વાંચવા આવતા નાગરિકો, વિદ્યાર્થીઓ ધર્મ, જ્ઞાતિ-જાતિના ભેદ વિના એક છત્ર નીચે વાંચન કરે છે.
લાઈબ્રેરીમાં નિયમિત વાંચન માટે આવતા ૨૫ વર્ષીય અભિ મિસ્ત્રી કહે છે કે, હું સાઈબર સિકયુરીટીનો અભ્યાસ કરૂ છું. આ લાઈબ્રેરીમાં એ.સી.ની સુવિધા હોવાથી મન પ્રફુલ્લિત રહે છે અને શાંત વાતાવરણમાં વાંચવાનો અનેરો આનંદ આવે છે. અહીં ટેકનોલોજી સાથે તાલ મિલાવીને કોમ્પ્યુટર, આઈ પેડ સાથે ડિજીટલ વાંચનની સુવિધા ઉપલબ્ધ છે. ફિઝિકસ વિષયના ઘણા નવા પુસ્તકો હોવાથી મારી કારકિર્દી ઘડવામાં આ લાઈબ્રેરી મહત્વનો ફાળો રહેશે એમ તેઓ કહે છે.
વિશ્વ પુસ્તક દિવસ એ યાદ કરાવે છે કે સાચું જ્ઞાન કોમ્પ્યુટરની વિન્ડોમાં, મોબાઈલની સ્ક્રીનમાં, સોશ્યલ મીડિયાની આંધીમાં નથી, પણ વર્ષોથી માનવીના મિત્ર સમાન પુસ્તકોના પાનાઓમાં છે. દરરોજ થોડી વાર પુસ્તકના વાંચનથી જીવનમાં શાંતિ, સમજદારી અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે. કમર ફ્રી લાઈબ્રેરી જેવા અનેક પુસ્તકાલયો જ્ઞાનમંદિરો બનીને સમાજ ઘડતર સાથે સામાજિક સમરસતા અને જ્ઞાનની સુવાસ ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
વિશ્વ પુસ્તક દિને આપણે શું કરી શકીએ?
• એક નવું પુસ્તક વાંચવાની શરૂઆત કરો
• તમારા મિત્રો અને બાળકોને વાંચવામાં રસ આવે તેવા પુસ્તકો ભેટ આપો
• સ્થાનિક પુસ્તકમેળા અથવા લાઈબ્રેરીની નિયમિત મુલાકાત લો
• પ્રેરણાદાયી વાંચનથી દૈનિક જીવનમાં નાના-મોટા બદલાવ લાવો




