બાળાઓના હસ્તે કુમકુમ તિલક કરી બસોના સામૈયા :કરાય
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ
એસટી નિગમ (GSRTC-ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની અદ્યતન નવી ૪૦ નવીન બસોનું વાહન વ્યવહાર અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સરથાણા શ્યામધામ મંદિર, સિંહ સર્કલ ખાતે આયોજિત બસોના લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રીએ આ બસોનું પૂજન કરી નિગમના ડ્રાઇવરોને ચાવી અર્પણ કરી હતી. મુસાફરોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી ૪૦ નવીન બસો ગુજરાત એસટી વિભાગને ફાળવવામાં આવી છે. (૨×૨)ની ૩૩ સીટની બેઠક વ્યવસ્થા સાથેની અદ્યતન સુવિધાજનક બસોનો સીધો લાભ છેવાડાના ગ્રામજનો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને આવન-જાવન માટે અનુકૂળતા પ્રાપ્ત થશે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદિપભાઈ દેસાઈ, પ્રવિણભાઈ ઘોઘારી, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, કોર્પોરેટરો, એસ.ટી. નિગમના અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.




