બારડોલી તાલુકાના ૪ ગામોના ૪૫ આવાસ અને મહુવા તાલુકાના ૨૦ ગામોના ૪૫૮ આવાસોનું તા.૧૫મીએ એક સાથે ખાતમુહૂર્ત યોજાશે
PM જનમન અભિયાન અંતર્ગત બારડોલી અને મહુવા તાલુકાના ૨૪ ગામોના ૫૦૩ આવાસો થશે સાકાર
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત તા.૧૫/૧૧/૨૦૨૩ના રોજ જનજાતીય ગૌરવ દિવસે નબળા આદિવાસી જૂથો (PVTGs) ના સામાજિક-આર્થિક કલ્યાણ અર્થે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM JANMAN) શરૂ કરવામાં આવ્યું છે. આ યોજનામાં સુરત જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સર્વે હાથ ધરી આદિમ જૂથના લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે ઉદ્દેશથી અત્યાર સુધી ૫૦૩ આવાસો મંજૂર કરાયા છે, ત્યારે બારડોલી તાલુકાના ૪ ગામોના ૪૫ આવાસ અને મહુવા તાલુકાના ૨૦ ગામોના ૪૫૮ આવાસો મળી કુલ ૫૦૩ આવાસોના એક સાથે ખાતમુહુર્ત કાર્યક્રમ તા.૧૫મીએ સવારે ૧૦.૦૦ કલાકે લાભાર્થીઓ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્થાનિક પદાધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચના વરદ હસ્તે યોજવામાં આવશે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની યાદીમાં જણાવાયું છે.
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત લાભાર્થીઓને રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે પરંતુ, PM જનમન અંતર્ગત અતિપછાત જાતિઓ/આદિમજૂથમાં સમાવિષ્ટ જાતિઓના લાભાર્થીઓને પોતાનું ઘર મળી રહે તે હેતુથી રૂ. બે લાખની સહાય આપવામાં આવે છે. ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦, બાથરૂમ સહાય રૂ.૫૦૦૦, મનરેગા યોજના અંતર્ગત રૂ.૨૩,૦૪૦ તથા પ્રથમ હપ્તો મળ્યાની તારીખથી છ માસની અંદર આવાસ પૂર્ણ થયુ હોય તો પ્રોત્સાહક સહાય રૂ.૨૦,૦૦૦ મળીને કુલ રૂ.૨,૬૦,૦૪૦ ની કુલ સહાય મળવાપાત્ર છે.





