સુરત ખાતે PM SURAJ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો

SHARE:

સુરત ખાતે PM SURAJ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ

એસસી, ઓબીસી, સફાઈ કર્મચારીઓ માટે ક્રેડિટ સપોર્ટ હેઠળ રૂ.એક લાખ લોનની મંજૂરી, સિવર તથા સેપ્ટિક ટાંકીના કામગારોને આયુષ્યમાન હેલ્થ કાર્ડસ અને કામદારોને પીપીઈ કિટ્સનું વિતરણ
 
વંચિત વર્ગોને ધિરાણ માટે સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી જનકલ્યાણ (PM SURAJ) વેબ પોર્ટલનું વડાપ્રધાનના હસ્તે લોન્ચિંગ
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો
 
વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપ હેઠળ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનુ ભગીરથ કાર્ય થયું છે: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ
PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે એસ.સી., ઓબીસી, સફાઈ કર્મચારીઓ માટે ક્રેડિટ સપોર્ટ અંતર્ગત રૂ.એક લાખ લોનની મંજૂરી, સિવર તથા સેપ્ટિક ટાંકીના કામગારો-સફાઈ મિત્રોને આયુષ્યમાન હેલ્થ કાર્ડનું વિતરણ અને કામદારોને પીપીઈ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં પી.એમ. દક્ષ યોજના, નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમણે વંચિત વર્ગોને ધિરાણ માટે સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી જનકલ્યાણ (PM SURAJ) વેબ પોર્ટલને પણ ખુલ્લું મૂક્યું હતું. દેશભરના ૫૦૦ જિલ્લાઓના ત્રણ લાખથી વધુ લાભાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે વનમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૯ સુધી દેશના ૮૦ કરોડ નાગરિકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે, આ યોજના હેઠળ દેશના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન બની છે એમ જણાવી મંત્રીશ્રીએ પી.એમ. સૂરજ પોર્ટલ સહિત વિવિધ વિભાગોની યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપ હેઠળ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનુ ભગીરથ કાર્ય થયું છે. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન ભારત યોજના સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેણે વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા ગરીબ લોકોની પરવશતા અને લાચારી દૂર કરી છે, એટલું જ નહીં, ગુજરાત સરકારે આયુષ્માન કાર્ડમાં મળતી રૂ.૫ લાખની આરોગ્ય સહાય વધારીને રૂ.૧૦ લાખ કરી છે.
પ્રારંભે સિટી પ્રાંત અધિકારીશ્રી વિક્રમ ભંડારીએ સ્વાગત પ્રવચન કરી સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશછે એમ જણાવ્યું હતું.
મંત્રીશ્રીઓ અને મહાનુભાવો અને લાભાર્થીઓએ વડાપ્રધાનશ્રીનું સંબોધન અને સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, મેયરશ્રી દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, ડે. મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, નર્મદ યુનિ. ના વાઈસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા, શહેર સંગઠન પ્રમુખશ્રી નિરંજન ઝાંઝમેરા, નાયબ નિયામક(વિકસતી જાતિ)શ્રી આર.ડી. બલદાણીયા, નાયબ નિયામક (અનુસૂચિત જાતિ કલ્યાણ) મિત્તલબેન પટેલ, સુરત મનપાના પદાધિકારીઓ કેયુર ચપટવાલા, ધર્મેશભાઈ વાણીયાવાલા અને સોમનાથ મરાઠે તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમિકો, સફાઈ મિત્રો અને ટેન્ક ક્લીનર્સને વિવિધ સહાયના લાભોનું વિતરણ

PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ અંતર્ગત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NBCFDC), (2) નેશનલ શેડ્યુલ્ડ કાસ્ટ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSFDC) અને (3) નેશનલ સફાઇ કર્મચારી ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSKFOC) હેઠળના નિગમોના લાભાર્થીઓ તેમજ નમસ્તે (National Action For Machanised Sanitation Ecosystem NAMASTE) અને પીએમ દક્ષ (પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્ય સંપન્ન હિતાગ્રહી યોજના) સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આવરી લઈને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!