સુરતની નવી સિવિલ હોસ્પિટલના ચેસ્ટ વિભાગના વડા ડો. પારુલબેન વડગામાની ઉપસ્થિતિમાં રેડ & વ્હાઇટ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓને CPR તાલીમ અપાઈ

SHARE:

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી

નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાના માર્ગદર્શનમાં તાલીમ તેમજ ઇમરજન્સી સારવારની સમજ અપાઈ
ગત રોજ તા.૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે વરાછા સ્થિત કે.સી.કોઠારી સ્કૂલ કેમ્પસમાં સુરત સિવિલ હોસ્પિટલ ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર ડો. પારુલ વડગામાની પ્રેરક ઉપસ્થિતિમાં રેડ & વ્હાઇટ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) તાલીમ અપાઈ હતી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલાના માર્ગદર્શન હેઠળ ‘ફેમિલી ફિજિશિયન એસોસીએશન સુરત’,માનવ સંસ્થા દ્વારા સમગ્ર તાલીમ તેમજ ઇમરજન્સી પરિસ્થિતિના ભાગરૂપે અપાતી સારવાર દરમિયાનની સમજ કેળવવામાં આવી હતી.
આ પ્રસંગે ડો. વડાગામાએ જણાવ્યું હતું કે, બાળકોને ઉપયોગી બની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખરા અર્થમાં ઉજવણીનો ભાગ બનવાનો અવસર મળ્યો છે. સીપીઆર એ એક તકનિક છે જે શ્વાસ લેવાનું અને લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય તેવા કિસ્સામાં વ્યક્તિના શરીરના મહત્વપૂર્ણ કાર્યો કરવામાં મદદ કરે છે. આ ટૂંકા ગાળાના પગલાં જીવન બચાવવા અને તબીબી સારવાર મળે તે પહેલાં દર્દીની સ્થિતિ સ્થિર કરવા માટે નિર્ણાયક બની શકે છે. સીપીઆરની માત્ર તાલીમ મેળવવી જરૂરી નથી, પરંતુ ઇમરજન્સીના સમયે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ જ આ તાલીમને સાકાર કરશે.
વિશેષ ઉપસ્થિત રહેલા નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાના માર્ગદર્શનમાં તાલીમ તેમજ ઇમરજન્સી સારવારની સમજ અપાઈ હતી. ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, તાલીમ મેળવ્યા બાદ અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓની સમાજમાં ભૂમિકા મહત્વપૂર્ણ બની જશે. આકસ્મિક સ્થિતિમાં સી.પી.આર. તાલીમ ઉપયોગી સાબિત થશે. તાલીમનું મહત્વ સમજાવી ભવિષ્યમાં લોકોને મદદરૂપ થવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ તાલીમમાં FPA સંસ્થાના અધ્યક્ષ ડો. સુરેન્દ્ર પ્રજાપતિ, સેક્રેટરી ડો. મનસુખ ગટીવાલા, કોર્ડીનેટર ડો. મધુસુધન ઉમરજી, તેમજ અન્ય કમિટી સદસ્યો ડો.હરેશ ભાવસાર, ડો.આર.જી. ગોયલ, ડો.વિનોદરાય પટેલ, ડો. પ્રણય રાણા,ડો. ભુપેન્દ્ર નાગત, ડો. કેશવ પટેલ, ડો. ગિરીશ મોદી ઉપરાંત સુરત પીડિયાટ્રિશન એસો.ના સેક્રેટરી ડો.અશ્વિની શાહ દ્વારા તાલીમ અપાઈ હતી જયારે સંસ્થાના એડમિન હેડ નિશા ઠક્કર, શિક્ષકો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!