નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માંગરોળ તાલુકાના કોસંબા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નારી શક્તિ ફિટનેસ રન યોજાઈ
દોડમાં વિજેતા મહિલાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાઈ
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માંગરોળ તાલુકાના કોસંબા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નારી શક્તિ ફિટનેસ રન યોજાઈ હતી. જેમાં સરકાર માન્ય સીવણ ક્લાસની ૯૦ જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોસંબાના ઝંડા ચોકથી મોટા મંદિર સુધી ૫૦૦ મીટરની દોડમાં વિજેતા મહિલાઓને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરાઈ હતી.
નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને એક શિક્ષિત મહિલા પોતાનું અને પરિવાર, સમાજ માટે પ્રેરણાદાયી બની સમાજમાં મહિલાઓના વિકાસ અને મહિલા સશક્તિકરણ અંગે કાર્ય તેમજ શિક્ષણ પ્રાપ્ત કરવા, વ્યાવસાયિક તાલીમ મેળવવા જાગૃત કરવામાં આવી હતી.
આ પ્રસંગે તરસાડી નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ શ્રી અનિલભાઈ પરમાર અને સીવણ ક્લાસના કો ઓર્ડીનેટર દિપકભાઈ પટેલ, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક કમલ સોલંકી અને સ્ટાફગણ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.





