છેલ્લા બે વર્ષમાં ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ૫૫ ગામોમાં કુલ રૂ.૭૭૫.૮૩ લાખના ખર્ચે ૯૨૭ હેક્ટર વિસ્તારમાં ૬ લાખ ૫ હજાર રોપાનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ
ક્લાયમેટ ચેન્જની અસર સંદર્ભે વિશ્વ આખું ચિંતા કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર વનના સંરક્ષણ માટે કાર્યશીલ છે. જેના માટે ક્ષેત્રીય અને સામાજિક વનીકરણને વિશેષ મહત્વ આપી રહી છે તેમ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય શ્રી પી. સી. બરંડાએ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ સંદર્ભે વિધાનસભાગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો જેના પ્રત્યુત્તરમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૦ ગામોમાં ૫૮૨ હેક્ટર વિસ્તારમાં ૩ લાખ ૪૨ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે માટે કુલ રૂ.૪૬૮.૦૭ લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. તેજ રીતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૫ ગામોમાં ૩૪૫ હેક્ટર વિસ્તારમાં ૨ લાખ ૬૩ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જે માટે કુલ રૂ. ૩૦૭.૭૬ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા બે વર્ષમાં ભિલોડા તાલુકાના ૫૫ ગામમાં ૯૨૭ હેક્ટર વિસ્તારમાં ૬ લાખ ૫ હજાર રોપા વાવેતર કરવામાં આવ્યું જે પેટે કુલ રૂ.૭૭૫.૮૩ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.





