અદાણી હજીરા પોર્ટ ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તથા સુરત જિલ્લા ક્રાઈસીસ ગ્રુપના સહયોગથી મોકડ્રીલ યોજાઈ
કેમિકલ ભરેલા ટેન્કમાંથી હેઝાર્ડસ ગેસ લીકેજ થતા આગ બેકાબુ બનીઃ ત્રણ વ્યકિતને કરાયા રેસ્ક્યુ
રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ, અને ન્યુક્લિયર (CBRN) ઇમરજન્સીની પરિસ્થિતિ સમયે તૈયારીઓ અંગે ચકાસણી કરવામાં આવી
અદાણી હજીરા પોર્ટ ઉપર આજે અચાનક જ ગેસ લિકેજ થયાના સમાચાર આવ્યા હતા. એ સમાચાર થોડા જ સમયમાં નજીકની કંપનીઑ, સ્થાનિક વહીવટી તંત્ર, ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ ગ્રૂપથી લઈને એનડીઆરએફ સુધી પહોચ્યા હતા. ખરેખર તો ગેસ લિકેજની આ મોકડ્રીલ હતી, જેમાં બધા જ સ્તરની સતર્કતા ચકાસવા અને આવી સ્થિતિમાં ‘શું કરવું અને શું ન કરવું’ની સમજ કેળવવા માટેની આ કવાયતનું આયોજન અદાણી હજીરા પોર્ટના સીઈઓએ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કર્યુ હતું.
હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટના ગેટ નં.૧ ખાતે બપોરે ૨.૩૦ વાગે અચાનક એક્રેલોનિટ્રાઇલ કેમિકલના ભરેલા ટેન્કરમાંથી હેઝાર્ડસ ગેસ લીકેજ થતા આગ લાગી હતી. જે અંગે સ્થાનિક સિકયુરિટી દ્રારા તત્કાલ મરીન કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. જેથી કંપનીના ફાયર ટેન્કર તથા એમ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ટેન્કર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. બે વ્યક્તિને ગેસની અસર થતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કંપનીના વિભાગીય વડાને જાણ કરવામાં હતી. પરિસ્થિતિ વધુ બેકાબુ બનતા ઈમરજન્સી-૩ જાહેર કરી જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતા આસપાસના કંપનીઓને જાણ કરતા તેઓના ફાયર ટેન્કરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા સ્થાનિક ડિઝાસ્ટર ગ્રુપ તથા સુરત જિલ્લા ડિઝાસ્ટર ક્રાઈસિસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા સુરત પ્રાંત અધિકારી વી.જે.ભંડારી તથા ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તથા નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ તથા નાયબ નિયામક શ્રી કે.એ.રાવત ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય સુરતની ટીમ આવી પહોંચ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ફાયર ટેન્કર તથા આરોગ્યની એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપ કમાન્ડ સ્થળ પર પહોંચીને વિશ્લેષણ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ને જાણ કરાઈ હતી
NDRF ની ટીમ ગેટ-૧ થી સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમની ટીમ દ્વારા વધુ એક વ્યક્તિને રેસ્કયુ કરી સારવાર માટે મોકલાયા હતા. એન.ડી.આર. એફ. તથા જી.પી.સી.બી.ની ટીમ દ્વારા ગ્રીન સિગ્નલ અપાતા મોકડ્રીલ પુર્ણ કરાઈ હતી.
અદાણી હજીરા પોર્ટના સીઈઓ શ્રી નિરજ બંસલે જણાવ્યું હતું કે, આ મોક ડ્રીલ તમામ વિભાગોને ઈમરજન્સીના સમયમાં ત્વરિત નિર્ણયશક્તિ અને ભૂલ સુધારણાની તક આપે છે. આવા સહયોગી પ્રયાસોથી અણધાર્યા પડકારોનો સામનો કરવાની સુઝબુઝ આપે છે.
મોકડ્રીલમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપ-સુરત, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર-સુરત, ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ જેવી સરકારી કચેરીની સાથે જ મેનેજમેન્ટ ઓથોરિટીઝ, હજીરા વિસ્તારની મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે શેલ, એએમએનએસ, ક્રિભકો, એનટીપીસી, રિલાયન્સ, ઓએનજીસી, ગેઇલ, આરોગ્ય, પોલીસ વગેરે જોડાયા હતા. ૬ઠ્ઠી BN ની ટીમ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની આગેવાની હેઠળ આસિ. કમાન્ડન્ટ શ્રી કુમાર સહિતની ટીમ ગેસ લિકેજની કટોકટીના નિવારણ માટેની કવાયતમાં જોડાયા હતા.





