જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને મહુવા તાલુકાના તરસાડી ખાતે પીએમ જન-મન સંવાદ કાર્યક્રમ યોજાયો
આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ
મહાનુભાવોને હસ્તે આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો.
કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેના ભાગરૂપે મહુવા તાલુકાના ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ, તરસાડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાયું હતું. આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ધારાસભ્યોના હસ્તે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.
આ પ્રસંગે જિ.પંચાયત પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનમન અભિયાન હેઠળ ઉમરપાડા તાલુકામાં ૩૬ ગામો, માંડવીના ૨૩ ગામો, મહુવાના ૨૫ ગામો, બારડોલીના ૪ ગામો અને માંગરોળ તાલુકામાં ૧ ગામ મળી કુલ ૮૯ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતને વિકસિત દેશ બનાવવા માટે સૌને સંકલ્પબધ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ૧૫મી નવેમ્બરે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૩૦૦૦ રથો તથા આદિમજુથોના વિકાસ માટે પીએમજનમન યોજનાની શરૂઆત થઈ હતી. આદિવાસી સમાજ સશકત અને મજબૂત બને તે માટે અનેક યોજનાઓ શરૂ કરવાનું કાર્ય આ સરકારે કર્યું છે. સમગ્ર દેશમાં આદિવાસી સમાજને ૧૧ લાખ એકર જમીનોના હકો આપ્યા છે. પ્રધાનમંત્રી જનમન યોજના હેઠળ દેશભરમાં વસતા આદિમજૂથના લોકો માટે ૨૪ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે.
મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, મહુવા તાલુકામાં સાત નદીઓ આવેલી છે. રસ્તા, આરોગ્ય, સિંચાઈ જેવી સુવિધાઓ આદિવાસી પરિવારોને મળી રહે તે માટે સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. છેવાડે રહેતા આદિમજૂથના પરિવારોને સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાને જનમન યોજના અમલમાં મુકીને તમામ પરિવારોની ચિંતા કરી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જનમન અભિયાન હેઠળ PVTG (આદિમજૂથ સમુદાય) વસ્તી ધરાવતા ગામોમાં વસતા કુટુંબોને ૧૧ જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત રૂ.૨૪,૦૦૦ હજાર કરોડના અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આદિમજૂથ સમુદાયના કલ્યાણને લક્ષ્ય બનાવી કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
માંડવી પ્રાયોજના વહીવટદાર શ્રી નિધિ સિવાચે જણાવ્યું હતું કે, આદિવાસીઓમાં પણ અતિપછાત એવા આદિમજૂથના જનજાતિઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જનમન મહાઅભિયાન હેઠળ છેલ્લા મહિનાઓ દરમિયાન સર્વે કરી તમામને વીજ કનેક્શન અને નળ કનેકશનની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. ૧૫૦૦ આવાસ માટેનો સર્વે કરવામાં આવ્યો છે. હજુ પણ બાકી રહેતા પરિવારોને લાભો મળી રહે તે માટે કાર્ય કરવામાં આવશે.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ૧૫ રાજ્યોના ૧૦૦ જિલ્લાઓમાં આયોજિત કાર્યક્રમને લાઈવ સંબોધન કરી આદિમજૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેનું અહીં ઉપસ્થિત સૌ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિ.પંચાયત ઉપપ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ.બી.પ્રજાપતિ, પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, ઉકા તરસાડીયા યુનિ.વાઈસ ચાન્સેલર, તા.પંચાયતના પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રીઓ તથા જુદા જુદા તાલુકાઓમાંથી આદિમજૂથના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં આદિમજૂથ સમુદાયના કુલ ૨૪૩૨ કુટુંબો મળી કુલ ૯૮૫૪ વસ્તી છે. દરેક ગામોમા યોજનાના પ્રચાર-પ્રસાર માટે ૧૪૫ IEC કેમ્પમાં સેલ્ફી પોઈન્ટ-૩૭૭, વોલ પેંટીંગ-૩, હોર્ડિંગ/બેનર-૨૬૦, કાર્ડ વિતરણ-૨૬૩૧ કરી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. માંડવી તાલુકાના દેવગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનાવાડા ગામમાં બે(૨) વન ધન વિકાસ કેંદ્ર બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. ઉપરાંત આધારકાર્ડ-૨૬૨૮, આયુષમાન ભારત કાર્ડ-૩૩૪૨, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના-૬૩, કિસાન ક્રેડીટ કાર્ડ-૪,PM-JANDHAN યોજના-૬૫૬, માતૃવંદના યોજના-૧૪, રાશનકાર્ડ-૧૩૨૧, જાતિના દાખલા-૨૮૮, જંગલ જમીન પટા-૩૯, તમામ અલગ-અલગ ગામોમા કરવામાં આવેલ કેમ્પો-૧૪૫ માં પ્રચાર પ્રસાર કરી ખૂટતી સુવિધાઓ આપવામાં આવી છે.





