કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશે ચોર્યાસી તાલુકાના મલગામા ગામના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું:
સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ જનજનને આવરી લઈને સર્વ નાગરિકોના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશેઃ રેલ્વે રાજયમંત્રી
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ચોર્યાસી તાલુકાના મલગામા ગામે કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ યાત્રા દ્વારા ગામેગામ વિવિધ યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગામડાઓમાં સુવિધાઓ પણ પહોંચી છે. મહિલાઓને ચૂલાનો નુકસાનકારક ધુમાડો ન લેવો પડે તેની ચિંતા કરીને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપ્યા છે, કુવે કે નદીએ ઘડા ઉપાડીને પાણી ભરવા જવું પડતું તેની ચિંતા કરીને નલ સે જલ યોજના દ્વારા પાણી ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે. ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, ધિરાણ વગેરે સવલતો, સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગામમાં કુંભાર, મિસ્ત્રીકામ, દરજીકામ કરતા પરિવારો માટે તેમનું કામ સરળ બને અને યંત્રો વસાવી આગળ વધે તે માટે વિશ્વકર્મા યોજના થકી નાણાકીય સહાય તેમજ લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તમામ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈને તમામ નાગરિકોના સર્વાંગી વિકાસ થકી ગામ, રાજ્ય અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયોજિત કરવામાં આવી છે. ઉપરાંત, મંત્રીશ્રીએ તમામ લોકોને યોજનાઓ અંગે જાગ્રત થઈ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સરકારની યોજનાઓના લાભોનું વિતરણ તથા લાભાર્થીઓને યોજનાની સહાય એનાયત કરવામાં આવી હતી. આ તકે લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ચોર્યાસી ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ, ડી.ડી.ઓશ્રી બી.કે. વસાવા સાહેબ,પ્રમુખશ્રી તાલુકા પંચાયત ચોર્યાસી તૃપ્તિબેન પટેલ, સુરત જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી કિશનભાઈ પટેલ, ચોર્યાસી તાલુકા સંગઠન પ્રમુખશ્રી કરશનભાઈ પટેલ, તાલુકા પંચાયત ચોર્યાસી કારોબારી અધ્યક્ષશ્રી લતાબેન, ચોર્યાસી તાલુકા ભાજપ મહામંત્રીશ્રી રમેશચંદ્ર એમ. પટેલ, સુરત જિલ્લા ભાજપ મહિલા મોરચો ઉપપ્રમુખશ્રી અવનીબેન નાયક, ચોર્યાસી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઈ પટેલ, તાલુકા પંચાયત ચોર્યાસી સભ્યશ્રી વાસંતીબેન પટેલ,મલગામા ગામના સરપંચશ્રી અંકિતાબેન પટેલ, ઉપસરપંચશ્રી ઈશ્વરભાઈ પટેલ, અધ્યક્ષશ્રી –ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ જિ.પં.સુરત શ્રી નિલેશભાઈ તડવી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કિરણભાઈ પારગી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી બહાદુરભાઈ વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.અજયભાઈ ઠાકોર, તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, ICDSના મુખ્ય સેવિકા, આંગણવાડી કાયૅકર,આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





