જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને આઈઆઈએમ-બોધગયાના વિદ્યાર્થીઓની સુરત મુલાકાતને અનુલક્ષીને બેઠક યોજાઈ
યુવા સંગમના ત્રીજા તબક્કા (કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પહેલ) અંતર્ગત IIM બોધગયા(બિહાર)ના ૪૫ વિદ્યાર્થીઓ સુરતની મુલાકાતે આવશે
તા.૨૪થી ૨૯ ડિસે. દરમિયાન સુરતના પર્યટન, પરંપરા, પ્રતિષ્ઠિત સ્થળો, અરસપરસ સંપર્ક, ટેક્નોલોજીથી સજ્જ સ્થળોની મુલાકાત લેશે
જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યુવા સંગમના ત્રીજા તબક્કા (કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પહેલ) અંતર્ગત આઈ.આઈ.એમ- બોધગયા(બિહાર)ના વિદ્યાર્થીઓની સુરત મુલાકાતને અનુલક્ષીને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી-સુરત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેકટરે વિવિધ વિભાગના પ્રવાસના આયોજન સંદર્ભે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. બિહાર રાજ્યના વિવિધ ભાગોમાંથી ૪૫ યુવા પ્રતિનિધિઓ અને ચાર ફેકલ્ટી સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ તા.૨૪થી ૨૯ ડિસે. દરમિયાન ગુજરાતની મુલાકાતે આવનાર છે. સમગ્ર ટીમનું આતિથ્ય IIIT-સુરત દ્વારા કરવામાં આવશે. પ્રવાસના ભાગરૂપે તા.૨૪ ડિસે.એ સવારે સુરત આગમન પછી વિદ્યાર્થીઓ સુરતના પ્રતિષ્ઠિત સ્થળોની મુલાકાત લેશે, જેમાં ચોકબજારનો ઐતિહાસિક કિલ્લો, સુરત ડાયમંડ બુર્સ (SDB), ICCC સેન્ટર-વેસુ, SGCCI, SRK ડાયમંડ ફેક્ટરી, STPL ઇન્ડસ્ટ્રી, લક્ષ્મીપતિ ઇન્ડસ્ટ્રી, સુમુલ ડેરી તેમજ સુરત ડુમ્મસ ખાતે સ્વચ્છતા અભિયાનમાં જોડાશે, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU), નીલકંઠધામ, પોઇચા સહિતના વિવિધ સ્થળોની મુલાકાત બાદ રાજભવનમાં ગવર્નરશ્રી અને મુખ્યમંત્રીશ્રી સાથે વાર્તાલાપ કરશે. ગુજરાતના અન્ય વિશિષ્ટ સ્થળોની મુલાકાતનું આયોજન IIIT કરાવશે. ઉપરાંત, સરદાર સ્મૃતિ ભવન, વરાછા ખાતે તા.૨૯મી ડિસે.ના રોજ સાંસ્કૃતિક ઉત્સવ દ્વારા કાર્યક્રમનું સમાપન કરાશે.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટરે અતિથિ વિદ્યાર્થીઓ સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય તેમજ શહેરના સમગ્રતયા વિકાસથી પરિચિત થાય એ પ્રકારનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. મિની ઈન્ડિયા તરીકે જાણીતા સુરત તેમજ ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિથી તેઓ સુપેરે પરિચિત થાય એ ખૂબ જ જરૂરી છે.




