માંડવી તાલુકાના કંરજ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે સરકાર સઘન પ્રયાસો કરી રહી છે
છેવાડાનો ગરીબ માનવી પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે
: આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
આદિજાતિ મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના કંરજ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી, જેમાં યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ, ટ્રાઈબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, સમાજના આર્થિક ઉત્થાન માટે સરકાર સઘન પ્રયાસો કરી રહી છે. ગામેગામ ફરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા લોકોને ઘર આંગણે યોજનાઓના લાભો આપવામાં આવી રહ્યા છે. ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે ગામથી લઈ દેશના વિકાસમાં સૌ કોઈના સહિયારા યોગદાનનો મત વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, છેવાડાનો ગરીબ માનવી પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. મંત્રીશ્રીએ લોકોને વિવિધ યોજનાની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.જેથી ગામ-તાલુકા-જિલ્લા અને રાજ્ય થકી દેશ વિકસિત બની શકશે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે લોકોના હિત માટે અમલી બનાવેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જ્યારે દેશના ગામડાઓ વિકસિત બનશે ત્યારે જ દેશ વિકસિત બનશે. ગામોના વિકાસ માટે સરકારની દરેક યોજનાઓના લાભ ૧૦૦ ટકા ઘરેઘર પહોંચે તે માટે લોકોને જાગૃત રહેવા અને જાગૃતતા ફેલાવવા જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત સભ્ય ચેતનાબેન પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી દેશને વિકસિત રાષ્ટ્રની હરોળમાં મૂકવા માટેના સરકારના પ્રયાસોની સરાહના કરી લાભાર્થીઓને મળતા સીધા યોજનાકીય લાભોની વિષેશતા જણાવી હતી.
આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ હતું. તેમજ લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષકશ્રી નિરવભાઇ સોલંકી, સુરત આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નરશ્રી ઓમદેવસિંહ પરમાર, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી, મામલતદારશ્રી મનિષભાઇ પટેલ, માંડવી THO નરેન્દ્રભાઇ ચૌધરી, અગ્રણીસર્વશ્રી મીનાક્ષીબેન ચૌધરી, દિનેશભાઇ પટેલ, સરપંચ એસોશિએશનના પ્રમુખશ્રી કમલેશભાઇ ચૌધરી, મેડિકલ ઓફિસરશ્રી ડો.કેતનભાઇ સોલંકી, સરપંચશ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




