મહુવાના કેટલાક શિક્ષકોનું બાળકોના ભાવિને દાવ પર લગાડી ક્રિકેટ પ્રેક્ટિસ
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું “નરો વા કુંજરોવા” સાથે તપાસ કરાવીશનું પોપટિયું રટણ
શાળામાં મૂવમેન્ટ રજીસ્ટર માં ક્રિકેટ પ્રેક્ટિસ લખી ગુલ્લી મારનાર શિક્ષકો ને પરવાનગી આપનાર મુખ્ય શિક્ષકો સામે કડક કાર્યવાહી ની આવશ્યકતા
સુરત:- મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કેટલાક શિક્ષકોનું નવું કારસ્તાન બહાર આવ્યું છે કે જેમાં કેટલાક શિક્ષકો શાળા સમય દરમિયાન બાળકોના શિક્ષણનો ભોગ લઈ શાળામાંથી ગુલ્લી મારી એક ગ્રાઉન્ડ પર શિક્ષક સંઘ ની ટુર્નામેન્ટ માટે ક્રિકેટ પ્રેક્ટિસ કરતા જોવા મળતા તાલુકાની જાગૃત જનતા ટીકા કરી રહી છે તો તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગ ઊંઘમાં જ હોવાની પ્રતીતિ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાનું જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શિક્ષણ વિવાદોમાં ઘેરાયેલું જ રહે છે ત્યારે મહુવા તાલુકાના શિક્ષણ જગતનું નવલું નજરાણું બહાર આવ્યું છે.સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત તા.૨૨-૧૨-૨૦૨૩ ના રોજ બારડોલીના અલ્લુ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે બાળકોના ભાવિ કરતા આ રમત ને પ્રાધાન્ય આપતા અતિઉત્સાહી બનેલ શિક્ષકો કમ ખેલાડીઓને બાળકોની ભાવિ જ દાવ પર લગાડી ક્રિકેટ પ્રેક્ટિસ કરવાનું શૂરાતન ચઢયું હતું.અને આવા જ શિક્ષણ નો ભોગ લઈ ખેલાડી બનેલ અંદાજિત ૧૯ જેટલા શિક્ષકો શાળામાં હાજરી પુરાવી ગુલ્લી મારી સીધા નળધરા સ્પોર્ટ્સ કપડાં સાથે હાજર થઈ ક્રિકેટની મઝા લેવા મંડી પડ્યા હતા.
સરકારી નીતિનિયમો નું ચીર હરણ કરી બાળકોના શિક્ષણ સાથે ચેડાં કરી ક્રિકેટ રમવા નીકળેલ જાગૃત નાગરિકો માટે ટીકાનું કેન્દ્ર બન્યું છે તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ નરો વા કુંજરોવા કરી હાથ અધ્ધર જ કરી રહ્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે,ત્યારે આવા શિક્ષકો સામે પગલાં લેવાશે કે પ્રોત્સાહન આપવામાં આવશે એ જોવું રહ્યું !
……….
હદ થઇ મૂવમેન્ટ રજીસ્ટરમાં પણ ક્રિકેટ પ્રેક્ટિસ
કેટલાક શિક્ષકો શાળા સમય દરમિયાન શિક્ષણકાર્ય નો ત્યાગ કરી ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા.તપાસ કરતા કેટલીક શાળાઓમાં માલૂમ પડ્યું કે ગુલ્લી મારી ક્રિકેટ રમવા નીકળેલ શિક્ષકો ની હાજરી શાળામાં હતી પરંતુ ક્રિકેટ પ્રેક્ટિસ મૂવમેન્ટ રજીસ્ટર માં નોંધ કરી ગયા હતા.ત્યારે ગુલ્લી મારનાર શિક્ષકો ની સાથે એ શાળાના મુખ્ય શિક્ષકો પણ એટલા જ જવાબદાર છે આ રીતે ખોટી પરવાનગી કંઈ રીતે આપી,તો મુખ્ય શિક્ષક પર પણ કેમ કાર્યવાહી નહિ કરવી ? એ પણ સવાલ ઉદભવ્યો છે.
………………..
સોશિયલ મીડિયા પર ગ્રુપમાં ખેલાડી શિક્ષકોના નામ સાથે મુકાયો હતો મેસેજ
ચોંકાવનારી વાત એ છે કે કેન્દ્રના શિક્ષકોના સોશિયલ મીડિયા ગ્રુપ માં પણ ૧૯ જેટલા શિક્ષકોના નામ સાથે મેસેજ વહેતો કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આ શિક્ષકોએ ૧૧ વાગે નળધરા ડુંગરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી જવું તો એ મેસેજ વહેતો કરનાર ને સત્તા કોણે આપી ??
……………..
નિવેદન
શાળા સમય દરમિયાન ક્રિકેટ રમવા જઈ શકાય નહિ,અને મૂવમેન્ટ રજીસ્ટર માં પણ આ રીતે નોંધ કરી શકાય જ નહિ,આ મુદ્દે તપાસ કરીશ અને તથ્ય હશે તો કડક પગલાં લેવામાં આવશે.
– કેતનભાઈ ચૌધરી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી




