તા.૧૫ ડિસેમ્બરે શાળાના બાળકો તેમજ યુનિવર્સિટીના ૧૫૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપતી ‘માનવ સાંકળ’ રચાશે
HQT પોઇન્ટથી Y જંકશન અને ત્યાંથી ચોસઠ જોગણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના વિસ્તારમાં ૩૦ બ્લોકમાં રચાશે ‘માનવ સાંકળ’
શાળાના ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે વિવિધ પ્લે કાર્ડ સાથે બાળકો સ્વચ્છતાનો સંદેશ આપશે
આગામી તા.૧૫ ડિસેમ્બરે પોલીસ કમિશનર કચેરી, જિલ્લા કચેરી, સુરત મહાનગર પાલિકા તેમજ શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે ૧૫૦૦૦ વિદ્યાર્થીઓ એકત્ર થઈને ‘માનવ સાંકળ'(હ્યુમન ચેઇન)રચી સ્વચ્છતાનો અનોખો સામૂહિક સંદેશ આપશે. સ્વચ્છતા, સુરક્ષા અને ફિટનેસની ૩ થીમ પર યોજાનારા માનવ સાંકળના કાર્યક્રમમાં ૧૫ ડિસેમ્બર, શુક્રવારે સવારે ૭થી ૯ વાગ્યા વચ્ચે શહેરના HQT પોઇન્ટથી Y જંકશન અને Y જંકશનથી ચોસઠ જોગણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના વિસ્તારમાં બ્લોક દીઠ ૫૦૦ બાળકો સહિતના ૩૦ બ્લોકમાં માનવ સાંકળ રચાશે.
આવનારી તા.૧૭ ડિસેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સુરત શહેરની મુલાકાતને અનુલક્ષીને તેમના સ્વાગત માટે સ્વચ્છતાનો સંદેશ આપવાનો આ પ્રયાસ છે, જેમાં ભાગ લેનારા બાળકો શાળાના ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે વિવિધ પ્લે કાર્ડ સાથે બાળકો સ્વચ્છતાનો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં બાળકોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપવા યોગ્ય સાઈનેજીસ સાથે મોબાઈલ ટોયલેટ, મેડિકલ અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.




