‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત સુરત પ્રાદેશિક માહિતી કચેરી ખાતે સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ
પ્રચાર-પ્રસારની કામગીરી નિભાવતા માહિતીકર્મીઓએ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના અધિકારી-કર્મચારીઓએ બહુમાળી ભવન, નાનપુરા સ્થિત કચેરીની સાફ-સફાઈ અને ફાઈલ વર્ગીકરણની કામગીરી કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. સાફ-સફાઈ બાદ સ્વચ્છતા કેળવવાની સાથે લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. રાજ્ય સરકારની યોજનાઓ, કાર્યક્રમો, ફ્લેગશિપ પ્રોગ્રામો, જનહિતના આયામોની પ્રચાર-પ્રસારની કામગીરી નિભાવતા માહિતીકર્મીઓએ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધનીય છે કે, જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે સુરત જિલ્લામાં ચાલી રહેલી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી રહી છે. સ્વચ્છતા પ્રત્યે સજાગ બનીને જિલ્લાના પ્રત્યેક ગામ, પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, સહકારી મંડળી સહિત જાહેર માર્ગોની સાફ-સફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યાં છે.






