પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશીર્વાદરૂપ: સુરતના અંકિતાબેન મોદીના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર
અંકિતાબેનને માત્ર રૂ.૧૨ લાખમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મળ્યું
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આવાસ મળતા ભાડા મકાનમાંથી કાયમી મુક્તિ મળીઃ છે: લાભાર્થી અંકિતાબેન મોદી
સુરતના અંકિતાબેન તેજસભાઇ મોદીને જહાંગીરાબાદ સ્થિત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા પ્રધાનમંત્રી આવાસમાં રૂ.૧૨ લાખનું નવમિર્મિત મકાન પ્રાપ્ત થયું છે. સરકારની સહાય થકી અંકિતાબેન મોદી જેવી સામાન્ય મહિલા માટે ઘરના ઘરનું સપનું પુરૂં થયુ છે.
અંકિતાબેન મોદી સુરતના હની પાર્ક રોડ સ્થિત મુક્તાનંદ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ જણાવે છે કે, અમારા જેવા ટુંકી આવકવાળા પરિવાર માટે સુરત શહેરમાં ઘર ખરીદવુ એ દિવાસ્વપ્ન સમાન હોય છે. એકવાર અખબારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત જોઈ અને આવાસ વિશે જાણકારી પ્રાપ્ત થઇ. જેથી ફોર્મ ભર્યું અને લકી ડ્રોમાં નંબર લાગતા માત્ર રૂ.૧૨ લાખમાં બે બેડરૂમ, હોલ, રસોડ સાથેનું તૈયાર મકાન મળ્યું છે. આસપાસ આવા મકાનોની કિંમત રૂ.૨૨ થી ૨૫ લાભ જેટલી ઉંચી છે. કારપેટ એરીયામાં ૪૮ ચો.મી ધરાવતા આવાસમાં પાર્કિગ, ગટરલાઈન, આંતરિક રસ્તાઓ, વિશાલ પાર્કિંગ, લિફ્ટ, સ્ટેરકેસ, ગટર અને પાણીની વ્યવસ્થા, સિક્યોરીટી કેબિન, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, વરસાદી પાણી સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા, કેમ્પસ ગાર્ડનિંગ, લેન્ડ સ્કેપીંગ, આપાતાકાલીન પરિસ્થિતિઓ માટે ડિઝલ જનરેટરની વ્યવસ્થા, કેમ્પસમાં સોલાર સંચાલિત સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ સાથે માયવન ટેકનોલોજી સાથે મકાનોનુ નિર્માણ કરવામાં આવ્યું છે. જગ્યા પણ વિશાળ હોવાથી નાના-મોટા પ્રસંગો પણ મોકળાશથી ઉજવી શકીશું.
વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ૧૨ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા અને દર મહિને રૂ. ૫ હજારનું ભાડું ભરતા હતા. દર મહિને આટલુ ભાડું ભરવામાં ઘણી મુશકેલીઓ પડતી હતી. કેટલીક વાર મકાન ખાલી કરવાની પણ નોબત પણ આવી હતી. હવે સ્થાયી આવાસ મળતા આ તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે.
આમ, સરકારની પીએમ આવાસ યોજના અંકિતાબહેન જેવા લાખો લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ નિવડી છે.






